જૂનાગઢની દરગાહમાં ચાદર સ્વયં હલતા શ્રદ્ધાળુઓ ઉમટ્યા, રોડ પર ટ્રાફિક જામ | મુંબઈ સમાચાર
જૂનાગઢ

જૂનાગઢની દરગાહમાં ચાદર સ્વયં હલતા શ્રદ્ધાળુઓ ઉમટ્યા, રોડ પર ટ્રાફિક જામ

જૂનાગઢ: શહેરના ગોધાવાડની પાટી વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ ગેબનશાપીર દરગાહે ચમત્કારની વાતો વહેતી થતા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દરગાહમાં મઝાર(કબર) શ્વાસ લેતી હોય તે રીતે હલી રહી હોવાની વાત ફેલાતા મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્ર થવા માંડ્યા હતા. ટ્રાફિક વ્યવસ્થાપન માટે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર, જૂનાગઢ શહેરના ગોધાવાડની પાટી વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ ગેબનશાપીર દરગાહ ખાતે બુધવારે ચમત્કાર થયો હોવાની વાત ફેલાઈ હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દરગાહ પર બિછાવેલી ચાદર અચાનક સ્વયં હલવા લાગી હતી. કબર શ્વાસ લેતી હોય તેમ ચાદર હલી રહી હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. .

દરગાહમાં ચાદર હલી રહી હોવાની ઘટનાને નિહાળવા માટે જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. લોકોની અચાનક ઉમટી પડેલી ભારે ભીડના કારણે ગિરનાર દરવાજા રોડ પર મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. પરિસ્થિતિ વણસે નહીં તે માટે તાત્કાલિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે શ્રદ્ધાળુઓને નિયંત્રિત કરીને ટ્રાફિકનું સંચાલન કરવું પડ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આવા અનેક બનાવો આ પૂર્વે પણ સર્જાય ચૂક્યા છે, જેમાં કથિત રીતે ચમત્કારનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે આ દાવાનું મુંબઈ સમાચાર સમર્થન કરતું નથી અને અહી અમારો ઉદેશ્ય માત્ર રિપોર્ટિંગ કરવાનો છે અંધશ્રદ્ધાને ફેલાવવાનો નહિ.

આપણ વાંચો:  હિંમતનગરમાં BZ કૌભાંડ જેવું જ વધુ એક કૌભાંડ; ઊંચા વળતરના નામે ₹૩.૪૨ કરોડની છેતરપિંડી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button