જૂનાગઢ

ભવનાથના ભાજપના લોકોએ જમીન દબાવી હોવાથી ભક્તોને મુશ્કેલી; ગોપાલ ઇટાલિયાના કરા પ્રહાર!

પ્રયાગરાજમાં કરોડોની વ્યવસ્થા થઈ શકતી હોય તો જૂનાગઢમાં લાખોની કેમ નહીં?: ગોપાલ ઇટાલિયા

જૂનાગઢ: આગામી દિવસોમાં જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં યોજાનાર વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળામાં શ્રદ્ધાળુઓ અને વાહનોની પ્રવેશબંધી મુદ્દે રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દે ભાજપ સરકારને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં હર્ષ સંઘવી દ્વારા હિન્દુ વિરોધી નિર્ણય લેવામાં આવ્યો છે તેના કારણે ૧૦ લાખ શ્રદ્ધાળુઓએ ફરજીયાત આઠ કિલોમીટર ચાલવું પડશે.” જો કે હકીકતે ગિરનાર દરવાજાથી ભવનાથનું અંતર અંદાજે 3.3 કિમી જેટલું છે.

ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર શેર કરેલ વીડિયોમાં સરકાર પર આરોપ કરતાં કહ્યું હતું કે, “ભાજપ સરકાર હિન્દુત્વના ખૂબ મોટા મોટા અને જુઠ્ઠા જુઠ્ઠા દાવાઓ કરે છે. પરતું જ્યારે હિન્દુઓની આસ્થાની વાત આવે ત્યારે હિન્દુઓને અન્યાય કરતી આવી છે. ભવનાથની અંદર જે મેળો થઈ રહ્યો છે, તે અંગે હર્ષ સંઘવીએ અનેક મિટિંગ કરી. જેમાં નિર્ણય લેવાયો છે કે ગિરનાર દરવાજાથી અંદર કોઈ વાહન જઈ શકશે નહિ. ગિરનાર દરવાજાથી ભવનાથનું અંતર આઠ કિલોમીટર હોવાનો ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો.

આ સાથે તેમણે ભવનાથના મેળામાં આવનારા લાખો શ્રદ્ધાળુઓથી જૂનાગઢને લોકોને થતાં આર્થીક લાભનો પણ તેમણે મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ કર્યો હતો કે ભાજપ સરકારે આ નિર્ણય લેવા પાછળ કોઈ ચોક્કસ કારણ રજૂ કર્યું નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે જે લોકો મેળામાં ઉતારા રાખે છે અને અન્નક્ષેત્ર ચલાવે છે તેમના વાહનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ખૂબ જ ઓછી છૂટ આપવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે લાઈમલાઇટમાં રહેવા હર્ષ સંઘવીએ જે નિર્ણયો લીધા છે, તેને સામાન્ય માણસોએ ભોગવવા પડશે.

ગોપાલ ઇટાલિયાએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મેળાની સફળતાના જશ લેવા મુદ્દે સરકારને પ્રશ્ન કર્યો હતો કે જો કરોડો લોકો માટે વ્યવસ્થા કરી શકી હોય તો લાખો શ્રદ્ધાળુઓ માટે કેમ નહિ? તેમણે ભવનાથના મેળાના આધ્યાત્મિક મહત્વ ઓછું થાય તેવા પ્રયત્નો ભાજપ સરકારે કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. શ્રદ્ધાળુઓના વાહનો માટે જૂનાગઢ શહેરમાં કોઈ જ પાર્કિંગ સુવિધા નથી. દૂર-દૂરથી આવનારા શ્રદ્ધાળુઓ, સગર્ભા બહેનો, વડીલોને ખૂબ જ અગવડતા પડશે તેમ ઇટાલિયાએ જણાવ્યું હતું.

આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર ભલે એમ કહેતી હોય કે કોઈ માટે વિશેષ વ્યવસ્થા નહિ હોય પરંતું ભાજપના લોકો, નેતાઓ અને સરકારી અધિકારીઓ વાહનો લઈને અંદર પહોંચી જ જવાના છે. આ હાલાકી માત્ર સામાન્ય લોકોને જ પડવાની છે. તેમણે એવો પણ આરોપ કર્યો હતો કે સરકારી ચોપડે મેળો કરવા માટેની 51 એકર જેટલી જમીન ભવનાથ તળેટીની આસપાસ છે. પરંતુ તે જમીન પર ભાજપના લોકોએ કબજો કરી લીધો હોવાથી આ સમસ્યા નડી રહી છે તેવો પણ આરોપ લગાવ્યો હતો. જો કે આ મામલે હજુ સુધી સત્તાધિશો તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

આપણ વાંચો:  AMCનો રૂ.68 કરોડનો સોદો ‘અશાંત ધારા’માં અટવાયો! સરકારી હરાજી છતાં કલેક્ટરની મંજૂરી ફરજિયાત!

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button