ડાયરા કિંગ દેવાયત ખવડના રિમાન્ડ થયા પૂરાઃ કોર્ટે જામીન અરજી ફગાવી | મુંબઈ સમાચાર
જૂનાગઢ

ડાયરા કિંગ દેવાયત ખવડના રિમાન્ડ થયા પૂરાઃ કોર્ટે જામીન અરજી ફગાવી

તમામ આરોપીઓને જૂનાગઢ જેલ મોકલવાનો આદેશ

જૂનાગઢઃ ડાયરા કિંગ દેવાયત ખવડના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તાલાલા કોર્ટે તેમના રિમાન્ડ લંબાવ્યા નહોતા. દેવાયત ખવડે કરેલી જામીન અરજી પણ ફગાવી હતી અને તમામ આરોપીઓને જૂનાગઢ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.

સરકારી વકીલે કહ્યું હતું કે દેવાયત ખવડ સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંબંધે રિમાન્ડ પૂર્ણ થતાં તેને તાલાલાની કોર્ટમાં બધા આરોપીઓની સાથે રજૂ કરવામાં આવ્યા હતા. રિમાન્ડ સમયની અવધિ પૂર્ણ થતી હોવાથી નામદાર તાલાલાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબે તેમને જૂનાગઢ જેલ હવાલે કરવા માટેનો એટલે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ કર્યો હતો.

આ કેસમાં જામીન અરજીની સુનાવણી આવતીકાલે તારીખ 18મીના હાથ ધરાશે અને ત્યાર બાદ નામદાર કોર્ટ એ સંબંધેની આ જામીન અરજીનો નિર્ણય કરશે. દેવાયત ખવડ અને અન્ય સાત આરોપીઓને હુમલાના કેસમાં કોર્ટે જામીન આપ્યા હતા. આ પહેલાં 18 ઓગસ્ટ 2025ના રોજ પોલીસે દેવાયત ખવડના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પણ કોર્ટે તે મંજૂર કર્યા નહોતા.

આપણ વાંચો: ડાયરા કિંગ દેવાયત ખવડને ઝટકોઃ કોર્ટે જામીન રદ કર્યા

શું હતો મામલો

અમદાવાદ નજીકના સનાથલમાં રહેતો ધ્રુવરાજસિંહ ચૌહાણ અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે ગત ફેબ્રુઆરી માસમાં ડાયરામાં પૈસા આપવા છતાં ન આવવા મુદ્દે વિવાદ ચાલે છે એ મામલે ત્યારે બંને પક્ષ દ્વારા ફરિયાદ થઈ હતી.

આ બાબતનું મનદુઃખ હજુ ચાલી રહ્યું છે. સનાથલનો ધ્રુવરાજસિંહ ચૌહાણ 11 ઓગસ્ટે ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં ગયો હતો.

આપણ વાંચો: ગુજરાતમાં ‘ડાયરા કિંગ’ દેવાયત ખવડ અને સોશિયલ મીડિયા ‘સ્ટાર’ કીર્તિ પટેલ ફરી આવ્યા વિવાદમાં, જાણો વિગત

બીજા દિવસે 11 વાગ્યે જ્યારે ધ્રુવરાજસિંહ અને તેના બે મિત્રો કિયા કારમાં સોમનાથ જતા હતા ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કાર ચાલકે ધ્રુવરાજસિંહ જે કારમાં હતો તેને ટક્કર મારી હતી.

બાદમાં બંને કારમાંથી દેવાયત ખવડ સહિત 12-15 લોકોએ પાઇપ, ધોકા લઈને નીચે ઉતર્યા અને ધ્રુવરાજની કારમાં તોડફોડ કરી તેમ જ તેને પણ ઢોર માર માર્યો હતો હતો.

આ મામલે ડીવાયએસપીએ જણાવ્યું કે, દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ રેકી કરી હતી. પૂર્વ આયોજિત કાવતરું કરી માર મરાયો હતો. દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ બુકાની બાંધી હતી. દેવાયત ખવડની બુકાની ખુલી ગઈ હતી. બુકાની ખુલી જતાં ધ્રુવરાજસિંહ ઓળખી ગયો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button