દેવાયત ખવડ કેસ: ગીર સોમનાથમાંથી ફોર્ચ્યુનર અને ક્રેટા કાર બિનવારસ મળી, પોલીસને મળ્યા મહત્વના પુરાવા…

વેરાવળ: ફરી એકવખત ચર્ચામાં આવેલા જાણીતા કલાકાર દેવાયત ખવડની ફોર્ચ્યુનર અને ક્રેટા કાર પોલીસને રેઢી મળી આવી હતી. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બાકુલા ધણેજ ગામે પીઠળ આઈ મંદિર નજીક જંગલ વિસ્તારમાંથી ગુનામાં વપરાયેલી બંને કાર પોલીસને બિનવારસ મળી આવી હતી અને તેનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં અમદાવાદના ધ્રુવરાજસિંહ પર કરવામાં આવેલા જીવલેણ હુમલાના બનાવમાં દેવાયત ખવડ અને અન્ય 15 લોકોને ઝડપી પાડવા પોલીસની પાંચ ટીમો કામે લાગેલી છે. આ માટે પોલીસે અનેક સ્થળોએ દરોડા પણ પાડ્યા છે. તાલાલાની અંદર છેલ્લા 48 કલાકમાં દેવાયત ખવડને કોને આશરો આપ્યો હતો તે અંગેની તપાસ પણ પોલીસે આદરી હતી.
બનાવની વિસ્તારપૂર્વક જાણીએ તો ગીર સોમનાથ જિલ્લાના ચિત્રોડ ગામે દેવાયત ખવડે બબાલ કરી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર દેવાયત ખવડની બુકાની ખુલી ગઈ અને હુમલાનો ભોગ બનનાર તરત જ ઓળખી ગયા હતા. ગીર સોમનાથના ડીવાયએસપી વી. આર. ખેંગારે જણાવ્યું, દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ રેકી કરી હતી. પૂર્વ આયોજિત કાવતરું કરી માર મરાયો હતો.
દેવાયત ખવડ અને અન્ય શખસોએ બુકાની બાંધી હતી. દેવાયત ખવડની બુકાની ખુલી ગઈ હતી. બુકાની ખુલી જતાં ધ્રુવરાજસિંહ ઓળખી ગયા હતા. પોલીસ દ્વારા દેવાયત ખાવડ સહિત અન્ય 15 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરાઈ હતી. હાલ નાસી ગયેલા આરોપીઓની શોધખોળ ચાલુ છે. આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. તાલાલા પીઆઈ આ કેસની તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો…ગીર સોમનાથમાં દેવાયત ખવડની બબાલ મુદ્દે શું થયો મોટો ખુલાસો?