જૂનાગઢ

ગુજરાતમાં નવા તાલુકાની માંગ તેજ: આ જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ, આપના નેતાઓ એક મંચ પર આવ્યા

જૂનાગઢ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વહીવટમાં સરળતા લાવવા માટે બુધવારે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં 17 નવા તાલુકા બનાવવાનો નિર્ણય લીધો હતો. આથી બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી દેવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં તાલુકાઓની સંખ્યા વધીને 265 થઈ ગયા છે. પરંતુ તેમ છતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં તાલુકા બનાવવાની માંગ કરવામાં આવી હતી.

મળતી વિગતો અનુસાર, જૂનાગઢ જિલ્લામાં પણ નવો તાલુકો બનાવવાની માંગ ઉઠી છે. હાલ વિસાવદર તાલુકાના બિલખાને તાલુકો બનાવવાની માંગ ઉઠી છે. આ મુદ્દે સ્થાનિકો તેમજ તમામ પાર્ટીના લોકો એક મંચ પર આવ્યા છે. ગત સાંજે ભાજપના જીલ્લા પંચાયતના સભ્ય, સરપંચના પતિ, પૂર્વ સરપંચ, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અગ્રણી બીલખાના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ દરમિયાન તાલુકાની માંગ માટેના આંદોલનની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે, બિલખાને તાલુકો બનાવવા માટે સહી ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી હતી. આગામી સમયમાં સ્થાનિકો ઘરે ઘરે અને દુકાને દુકાને જઈને બિલખા તાલુકો બને તે માટે લોકોની સહી લેશે. બાદમાં મુખ્ય પ્રધાન સુધી આ માંગણી પહોંચાડવામાં આવશે. આગેવાનોએ જણાવ્યું હતું કે અમારી વર્ષો જૂની માંગ રહી છે કે બિલખાને તાલુકો બનાવવામાં આવે. ત્યારે હવે આ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરીને બિલખા તાલુકો બને તે માટે અરજી કરીશું.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં 17 નવા તાલુકા બનાવવાનો નિર્ણય લીધો હતો. જેમાં સાબરકાંઠાના જાદરને તાલુકાનો દરજ્જો ન મળતાં સ્થાનિકો રોષે ભરાયા હતા. સ્થાનિકો રમણ વોરાના ઘરે વિરોધ કરવા પહોંચ્યા હતા. જોકે તેમણે ફોન સ્વીચ ઑફ કરી દીધો હતો.ઉપરાંત ભાજપમાંથી 70 લોકોએ રાજીનામા ધરી દીધા હતા. જેના કારણે રાજકારણ પણ ગરમાયું હતું.

આપણ વાંચો:  UGCની લાલ આંખ: ગુજરાતની 8 ખાનગી યુનિવર્સિટીઓ ‘ડિફોલ્ટર’ જાહેર, જુઓ લિસ્ટ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button