જૂનાગઢ મુક્તિ દિવસે CM પટેલે ‘યુનિટી માર્ચ’ શરૂ કરી, આરઝી હકૂમતના સેનાનીઓના પરિવારજનોનું સન્માન

જૂનાગઢઃ આજે 9 નવેમ્બર એટલે જૂનાગઢનો મુક્તિ દિવસ. જૂનાગઢના અંતિમ નવાબ મોહબત ખાન ત્રીજા દ્વારા જૂનાગઢને પાકિસ્તાન સાથેના જોડાણના વિરોધમાં શરૂ કરવામાં આવેલી આરઝી હકૂમતની લડત બાદ અંતે 9 નવેમ્બરના રોજ જૂનાગઢ ભારત સંઘમાં ભળ્યું હતું. જૂનાગઢ મુક્તિ દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મજયંતી વર્ષ અંતર્ગત આજે જૂનાગઢમાં ‘સરદાર@ 150’ યુનિટી માર્ચના ભાગરૂપે આયોજિત રાજ્યવ્યાપી પદયાત્રાનો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંતો અને પ્રધાનોની હાજરીમાં જૂનાગઢથી પ્રારંભ કરાવ્યો હતો.

જૂનાગઢ 1947ની 9મી નવેમ્બરે નવાબી શાસનમાંથી આઝાદ થઈને ભારતમાં ભળ્યું હતું, તેને જૂનાગઢ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને આરઝી હકૂમતના સેનાનીઓના મહત્ત્વપૂર્ણ યોગદાનથી જુનાગઢ ભારતમાં ભળવાના આ યાદગાર દિવસે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના સરદાર ચોક ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આરઝી હકૂમતમાં ભાગ લેનાર સેનાનીઓના પરિવારજનોને સન્માનિત કર્યા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અવસરે આ યુનિટી માર્ચનું આયોજન રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જૂનાગઢ જિલ્લા વહીવટ તંત્રના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં સમાજના તમામ વર્ગો, કોલેજના વિદ્યાર્થીઓ, NCC, NSS, માય ભારત વોલંટીયર્સ, સહકારી સંસ્થાઓ, વિવિધ રાજકીય પક્ષો, ઔદ્યોગિક સંગઠનો, વાણિજ્ય સંગઠનો, ધાર્મિક સંસ્થાનો, સ્થાનિક સાધુ-સંતો, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનો, રમતવીરો, પ્રગતિશીલ ખેડૂતો, પ્રબુદ્ધ નાગરિકો, કામદારો, સામાજિક સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાના પદાધિકારીઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપ તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો સહભાગી થયા હતા.



