મઢડા ખાતે ‘સોનલ બીજ’ની ભવ્ય ઉજવણી: જાણો કુરિવાજો, શિક્ષણ-વ્યસનમુક્તિની જ્યોત જલાવનાર ‘આઈ’ની ગાથા…

જૂનાગઢ: સૌરાષ્ટ્ર સંત, શૂરા, સતી અને આઈ-દેવીઓની ભૂમિ રહ્યું છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામ ખાતે ચારણ જગદંબા આઈ સોનબાઈ માની જન્મજયંતી પોષ સુદ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આઈ સોનબાઈ માતાજીના પ્રાગટ્ય દિવસે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ તથા દેશ વિદેશમાં વસતા ચારણ-ગઢવી સમાજ સહિત તમામ જાતિ-જ્ઞાતિના લોકો ભક્તિભાવપૂર્વક સહભાગી બન્યા હતા.
આ વર્ષે આઈ સોનબાઈ માના 102માં પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે માતાજીની મંગળા આરતી બાદ સાડા આઠ વાગ્યે માતાજીની ભવ્ય શોભાયાત્રામાં કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આઈના ભાવિક ભક્તો જોડાયા હતા. સોનલ ધામ ખાતે આરતી અને સમૂહ ભોજન (પ્રસાદ) ચારણ સમાજ તથા અઢારે વરણના લોકોએ તેનો લાભ લીધો હતો, બપોરે ત્રણ વાગ્યે સમાજના પરંપરાગત ચારણી રાસનો કાર્યક્રમ યોજાયો હતો.

કોણ છે આઈ સોનબાઈ?
આઝાદી પૂર્વેને કુરિવાજો, અંધશ્રદ્ધા, અજ્ઞાનતાના 20મી સદીના યુગમાં સંવત ૧૯૮૦ પોષ સુદ-૨ આઠમી ડિસેમ્બર ૧૯૨૪ના રોજ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામે ગઢવી હમીરભાઇ મોડના ઘેર આઇ રાણબાઇના કુખેથી પુજ્ય આઇ સોનબાઇમાનો જન્મ થયો. આઈ સોનબાઈમાં દિવ્ય તેજ ધરાવતા હતા. માતાજીએ સોરઠથી કચ્છ, રાજસ્થાન,મધ્ય પ્રદેશ સહિતના વિસ્તારોમાં ફરી ફરીને માતાજીએ દેવી મંદિરોમાંથી બલી પ્રથાને નાબૂદ કરાવી હતી.
કચ્છના વોવર ગામથી શરૂ કર્યું હતું પ્રતિજ્ઞા અભિયાન
માતાજીએ કચ્છ, કાઠીયાવાડ, રાજસ્થાનની ભૂમિ પર ચારણ સમાજમાં શિક્ષણની જ્યોત જગાવી, અંધશ્રદ્ધાને મૂળમાંથી કાઢી, દોરા-ધાગાને બદલે નિર્મળ ચરિત્રની હાકલ કરી. દીકરાઓની સાથે શાળાના ઓરડા ઘટે તેટલી સંખ્યામાં કન્યાઓને ભણાવવાની પણ હાકલ કરી. આઝાદીને સમયે જૂનાગઢ નવાબના પાકિસ્તાન જોડાણને વખોડીને જૂનાગઢને ભારતનું અભિન્ન અંગ ગણાવીને ભારતના એકીકરણમાં કાટીયા વરણને જોડ્યા હતા.

શિક્ષણ અને વ્યસનમુક્તિ તરફના તેમના અદ્ભુત કાર્યો હતા અને સોનલ માતાએ સમાજને કુરિવાજોથી બચાવવાનું કામ કર્યું હતું અને કચ્છના વોવર ગામથી એક વિશાળ પ્રતિજ્ઞા અભિયાન શરૂ કર્યું હતું, જેમાં સખત મહેનત કરી આત્મનિર્ભર બનવા અને પશુધનની રક્ષા કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
પીએમ મોદીએ પણ સોનલ આઈ વિશે કરી હતી વાત
વર્ષ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો સંદેશ દ્વારા આઈ શ્રી સોનલ માતાના જન્મ શતાબ્દી મહોત્સવને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે, “મઢડા ધામ એ ચારણ સમાજ માટે શ્રદ્ધા, શક્તિ, સંસ્કાર અને પરંપરાઓનું કેન્દ્ર છે. તેમણે કહ્યું હતું કે, ભગવતી સ્વરૂપા સોનલ માં એ વાતનું જીવંત ઉદાહરણ હતા કે ભારત કોઈપણ યુગમાં અવતારી આત્માઓથી વંચિત રહ્યું નથી. ગુજરાત અને સૌરાષ્ટ્ર ખાસ કરીને મહાન સંતો અને વિભૂતિઓની ભૂમિ રહી હોવાનું નોંધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ક્ષેત્રના અનેક સંતો અને મહાન આત્માઓએ સમગ્ર માનવજાત માટે પોતાનો પ્રકાશ ફેલાવ્યો છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, “શ્રી સોનલ માતા આધુનિક યુગ માટે પ્રકાશના કિરણ સમાન હતા. તેમની આધ્યાત્મિક ઉર્જા, માનવીય ઉપદેશો અને તપસ્યાએ તેમના વ્યક્તિત્વમાં એક અદ્ભુત દૈવી આકર્ષણ ઊભું કર્યું હતું જે આજે પણ જૂનાગઢ અને મઢડાના સોનલ ધામમાં અનુભવી શકાય છે. સોનલ માનું સમગ્ર જીવન જનકલ્યાણ, દેશસેવા અને ધર્મ માટે સમર્પિત હતું, જ્યાં તેમણે ભગત બાપુ, વિનોબા ભાવે, રવિશંકર મહારાજ, કાનભાઈ લહેરી, કલ્યાણ શેઠ જેવી મહાન હસ્તીઓ સાથે મળીને કામ કર્યું હતું.”



