ઓણ કેસર કેરી મન મૂકીને ખાજોઃ સૌરાષ્ટ્રના આંબા મોરથી લચી પડ્યા, જૂઓ વીડિયો…
જૂનાગઢઃ તૌકતે વાવાઝોડા અને માવઠાંને કારણે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી કેસર કેરીની આવક ઓછી થાય છે અને તેને લીધે ભાવ ઊંચા રહે છે. આથી મધ્યમ અને ગરીબ વર્ગે વર્ષે એકવાર આવતી કેરીની મજા માણવામાં કરકસર કરવી પડે છે, પરંતુ આ વર્ષે જો કુદરત દગો નહીં દે અને બધુ સમુસુતરુ ઉતરશે તો તમે મન મૂકીને કેરી ખાઈ શકો, તેવા સમાચાર અમે તમને જણાવવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો : સતાધાર વિવાદમાં હવે પોલીસ તપાસ શરૂ; સાધુ સંતોનું વિજયબાપુને સમર્થન
Kesar Mangoes ની વાત આવે ત્યારે ગિરની કેસર કેરીની પહેલી યાદ આવે. સાસણ ગીર, વંથલી, અમરેલીના વિસ્તારોમા હાલમા આંબા મહોરી ઉઠ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે.
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં શિયાળો ખૂબ જામ્યો છે જેમાં સૌરાષ્ટ્રમાં તાપમાન પાંચથી સાત ડીગ્રી સેલ્સીયસ નોંધાયું છે. હજુ પુરો જાન્યુઆરી કાતિલ ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે તે વચ્ચે કેસર કેરીના રસિકો માટે એક સારા સમાચાર આવ્યા છે. સારા શિયાળાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના અન્ય ભાગો જયા કેસર સહિતની કેરીનો પાક થાય છે ત્યાં આબામાં મબલખ મોર મર્હોયા છે અને આખે આખા આંબા મોરથી લચી પડ્યા છે.
સૌરાષ્ટ્રની કેસર કેરીનો જવાબ નથી
કેસર કેરી કચ્છ, વલસાડમાં ઉગાડાય છે અને હવે મહારાષ્ટ્રમાં પણ ઉગાડાય છે પણ સૌરાષ્ટ્રની એમાય ખાસ કરીને ગીર-તાલાલા પંથકની કેરીનો સ્વાદ કંઈક અનોખો જ છે. ખૂબ જ મોટો વર્ગ છે જે આ કેરી ખાવાનું જ પસંદ કરે છે. સતાવાર રેકોર્ડ મુજબ સૌરાષ્ટ્રમાં લગભગ 42000 હેકટરમાં કેરીના બગીચા છે. ગત વર્ષે 2.82 લાખ મેટ્રીક ટન કેરીનુ ઉત્પાદન થયુ હતું. કેસર કેરીની વિદેશમાં પણ માંગ છે અને નિકાસ 143 ટકા વધીને 680 ટન ગત વર્ષે થઈ હતી અને અંદાજે રૂ. 16 કરોડની કમાણી ખેડૂતોને થઈ હતી.
કેવું છે હવામાન અને કેટલો પાક થશે
આ અંગે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મુજબ કેરી એ સંવેદનશીલ મોસમી પાક છે તેથી તેના માટે સાનુકુળ વાતાવરણ જરૂરી છે અને આ શિયાળામાં તમામ રીતે સાનુકુળતા છે. દિવસ અને રાત્રીના તાપમાન વચ્ચેનો તફાવત 10 ડીગ્રીથી પણ ઓછો છે. મહતમ તાપમાન 25 ડીગ્રી સેલ્સિયસથી ઓછુ છે અને તે કેરીના પાક માટે મહત્વનું છે. અને આ વાતાવરણ 15 થી 20 દિવસ રહે તો કેરીનો બમ્પર પાકની આશા રાખી શકાશે. ઉપરાંત ગત વર્ષની જેમ પાકમાં કોઈ રોગની શકયતા પણ નથી અને કમોસમી વરસાદની પણ શકયતા નહીવત છે.
આ પણ વાંચો : ભયાનક રોગ ‘કાવાસાકી;ની જૂનાગઢમાં ‘એન્ટ્રી’
એક અંદાજ પ્રમાણે ગયા વર્ષો કરતા લગભગ 40થી 45 ટકા વધારે પાકની શક્યતાઓ છે. અહીંના અમુક બગિચાઓમાં કેરી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં તોડી લેવાની શરૂઆત થઈ જાય છે જ્યારે બીજો ફાલ એપ્રિલ મે મહિનામા આવે છે. શરૂઆતી સમયમાં ભાવ ઘણા ઊંચા હોય છે, પરંતુ માર્ચ મહિનાના અંતમાં મબલખ પાક આવતા કેરી પોષાય તેવી બને છે. આ વર્ષે બાગાયતી ખેડૂતો તો સારા પાકની આશા રાખીને બેઠા જ છે, પણ સાથે તમે પણ દાઢ સજાવીને રાખો, તમને પણ પેટભરીને કેરી ખાવા મળે તેવી પૂરી શક્યતા છે.