જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ ભાજપમાં પાડ્યું ગાબડું, દિગ્ગજ નેતા જીવાભાઈ મારડિયા આપમાં જોડાયા

જૂનાગઢઃ આમ આદમી પાર્ટી દ્વારા હાલ રાજ્યમાં ગુજરાત જોડો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત માણાવદરમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતા જીવાભાઈ મારડિયા તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જનસભામાં સંબોધન કરતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના ઇતિહાસમાં માણાવદરમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ અને ઉર્જા સાથે જોડાયા છે.
ભાજપે ગુજરાતના ગામડા, ખેડૂતો અને યુવાનોનું નુકસાન કર્યું
ગોપાલ ઇટાલિયાએ જીવાભાઈ મારડિયાના જોડાણને આવકારતા કહ્યું કે, માણાવદર પંથકના કદાવર આગેવાન અને સામાજિક નેતા જીવાભાઈ મારડિયા અને તેમની ટીમ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ છે, જેનું પાર્ટી સ્વાગત કરે છે. ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, છેલ્લા 30 વર્ષથી ભાજપે ગુજરાતના ગામડા, ખેડૂતો અને યુવાનોનું નુકસાન કર્યું છે. જનતા હવે એક નવા રાજકીય વિકલ્પની શોધમાં હતી, જેમાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે.
આમ આદમી પાર્ટી એક પ્લેટફોર્મ બની ગયું
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે વિસાવદરના લોકોએ પહેલા કોંગ્રેસને હટાવીને ભાજપને તક આપી હતી. હવે લોકોની ઈચ્છા મુજબ, વિસાવદરમાં આમ આદમી પાર્ટી માટે પણ દરવાજા ખુલી ગયા છે. તેમણે જણાવ્યું કે જે નેતાઓ લોકોની સેવા કરવા માંગે છે તેમના માટે આમ આદમી પાર્ટી એક પ્લેટફોર્મ બની રહ્યું છે. આખા ગુજરાતના ગામડાઓમાંથી લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે.
વિસાવદર જેવું પરિવર્તન ગુજરાતમાં થઈ શકે છેઃ ગોપાલ ઇટાલિયા
આ ઉપરાંત ઇટાલિયાએ કહ્યું કે આગામી ચૂંટણીઓમાં ગુજરાતમાં પણ ‘વિસાવદર જેવું પરિવર્તન’ આવી શકે છે. જે રીતે વિસાવદરમાં ફેરફાર થયો, તે રીતે આખા ગુજરાતમાં પણ થઈ શકે છે.
આ પણ વાંચો…સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીમાં ‘ભંગાણ’: કરશનબાપુ ભાદરકાનું રાજીનામું