વિસાવદરની જીત બાદ આપ જોરમાંઃ ભાજપના આ દિગ્ગજ નેતા જોડાય તેવા એંધાણ

જૂનાગઢઃ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિસાવદરની બેઠક ગોપાલ ઈટાલિયાએ જીતી લીધા બાદ આમ આદમી પાર્ટી જોરમાં આવી ગઈ છે. દિલ્હીમાં પક્ષની સત્તા ગયા બાદ ઠંડી પડેલી પાર્ટીમાં વિસાવદરની એકમાત્ર જીતે ગરમાવો લાવી દીધો છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચ્યો જ છે ત્યારે વધુ એક સનસનાટી મચાવતી ખબર સૌરાષ્ટ્રના જૂનાગઢમાંથી આવી છે. પહેલા કૉંગ્રેસ અને પછી ભાજપમાં રહેલા માણાવદરના નેતા જવાહર ચાવડાએ આમ આદમી પાર્ટીની બેઠકમાં હાજરી નોંધાવતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.
જૂનાગઢ ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે. જૂનાગઢ જિલ્લામાં રાજકીય ગરમાવો વધી ગયો છે, કારણ કે ભાજપના પીઢ નેતા જવાહર ચાવડા આમ આદમી પાર્ટી (AAP)ના નેતા પિયુષ પરમારની સભામાં હાજર રહ્યા હતા.
ચાવડા અમરાપુર બેઠકના આકાળા અને વિરડી ગામમાં AAPની સભામાં ઉપસ્થિત રહ્યા હોવાના ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ તસવીરોમાં તેઓ AAPના આગેવાનો સાથે બેઠક કરતા જોવા મળે છે.
ભાજપમાં પ્રધાનપદે રહી ચૂકેલા જવાહર ચાવડા ગઈ વિધાનસભાની ચૂંટણીથી જ નારાજ દેખાઈ રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ભાજપના ઉમેદવાર વિરોધી પ્રચાર કર્યો હોવાના અહેવાલો પણ પ્રસારિત થયા હતા. સ્પષ્ટવક્તા જવાહર ચાવડા જૂનાગઢ પંથકમાં સારો એવો દબદબો ધરાવે છે અને તેમને જનસમર્થન પણ મળી શકે તેમ છે. હવે તેઓ આપની સભામાં હાજર રહ્યા હોવાથી સ્વાભાવિક છે કે તેમની આપમાં જોડાવાની અટકળો તેજ થઈ છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટા પણ વાયરલ થયા છે. જોકે તેમના તરફથી કે આપ પક્ષ તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ જૂનાગઢ સહિત ગુજરાતનું રાજકારણ ગરમાયું છે તે વાત નક્કી છે.
આપણ વાંચો: જાપાનના ક્યા શહેર સાથે અમદાવાદના સિસ્ટર સિટી કરાર થયા ?