મહાશિવરાત્રી મેળો 2026: 140 વોટર પોઈન્ટ્સ અને 20થી વધુ પાર્કિંગની સુવિધા- પાણી-છાશના પરબોની હેલી!

મહાશિવરાત્રી મેળામાં દિવ્યાંગો માટે તંત્ર અને પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા
જૂનાગઢ: આગામી 11મી તારીખથી જૂનાગઢના ગિરનારની તળેટીમાં ભવનાથના મેળાનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વર્ષે મહાશિવરાત્રીના મેળાને વધુ ભવ્ય અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાજનક બનાવવા માટે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું છે.
છેલ્લા બે મહિનાથી ગ્રાઉન્ડ લેવલ પર ચાલી રહેલી કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા બાદ પ્રેઝન્ટેશન દ્વારા મેળાની રૂપરેખા જાહેર કરવામાં આવી છે, જેમાં ભાવિકોની સેવા અને પાયાની સુવિધાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે.
આ પણ વાંચો…ભવનાથ મેળામાં શ્રદ્ધાળુઓનું સ્વાસ્થ્ય નહીં જોખમાય: ૨૮ હંગામી દવાખાના અને ૨૧૦ વોરિયર્સ સજ્જ!

આ વખતે મેળાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ગિરનાર દરવાજાથી અંદાજે સાડા ત્રણ કિલોમીટર સુધીના રોડ પર શ્રદ્ધાળુઓ માટે પીવાનું પાણી અને છાશની વ્યવસ્થા કરવામાં આવી છે. પીવાના પાણી માટે કુલ 140 પોઈન્ટ અને દૂધ માટે 17 કેન્દ્રો ઊભા કરવામાં આવશે. ટ્રાફિક મેનેજમેન્ટના ભાગરૂપે વાઘેશ્વરી મંદિર અને ગિરનાર દરવાજા પાસે બસ પાર્કિંગ સહિત અન્ય 20 જેટલા સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને દિવ્યાંગો અને અશક્ત ભાવિકો માટે સમાજ સુરક્ષા વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા વિશેષ સહાયની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
મેળાના મુખ્ય આકર્ષણ એવી રવેડીના રૂટમાં પણ આ વર્ષે 500 મીટરનો વધારો કરવામાં આવ્યો છે, જેથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકે. રવેડીમાં બિનજરૂરી ભીડ ન થાય તે માટે અગાઉથી ઓળખ પ્રક્રિયા કરવામાં આવશે. ઉપરાંત, સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે વિશેષ પાસ અને વ્યવસ્થા કરાઈ છે. અન્નક્ષેત્રો અને આશ્રમો માટે પણ વહીવટી તંત્રએ નમ્ર અભિગમ અપનાવી માલ-સામાનની એન્ટ્રીનો સમય બદલીને હવે સવારના 5 થી 9 વાગ્યા સુધીનો કર્યો છે.

આ પણ વાંચો…જૂનાગઢ: મહાશિવરાત્રી મેળાના નવા રવેડી રૂટનું જાત નિરીક્ષણ, જાણો શું હશે નવી સુવિધાઓ?
આ મેળાનો પ્રારંભ 11મીની સવારે ભવનાથ મહાદેવના મંદિરે પરંપરાગત ધજારોહણ સાથે થશે. આ જ દિવસે સાંજે સાત કલાકે ભવ્ય ડમરૂ યાત્રા, મહા આરતી અને ધર્મસભાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સાધુ-સંતોની સરળ એન્ટ્રી માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જેથી મેળો ભક્તિમય અને શિસ્તબદ્ધ વાતાવરણમાં સંપન્ન થઈ શકે.



