જૂનાગઢમાં ગુંજશે હર હર મહાદેવ: આવતીકાલથી મિની કુંભ સમા મહાશિવરાત્રિના મેળાનો મંગલ પ્રારંભ

જૂનાગઢ: આગામી દિવસોમાં જૂનાગઢ ખાતે ભવનાથના સિદ્ધ ક્ષેત્રમાં મહાશિવરાત્રિના મેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ વર્ષે રાજ્ય સરકાર પણ મેળાને અતિ ભવ્યતા સાથે ઉજવવા માંગે છે. ત્યારે આ પવિત્ર મેળાની આવતીકાલથી પરંપરાગત રીતે શરૂઆત કરવામાં આવશે. આવતીકાલે મહા વદ નવમીના દિવસે ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે અને ત્યારથી જ પરંપરાગત રીતે મહાશિવરાત્રિના મેળાની શરૂઆત થશે.
મહાશિવરાત્રીના મેળાની પરંપરા અનુસાર, મહા વદ નવમીના દિવસે ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યા બાદ વિધિવત રીતે મિનિ કુંભ સમાન મહા શિવરાત્રીના મેળાનો પ્રારંભ થાય છે. નોંધવું રહ્યું કે આ વખતે ભવનાથ મંદિરનું સંચાલન વહીવટી તંત્ર દ્વારા થઈ રહ્યું હોવાથી, મહાશિવરાત્રીના મેળાની પરંપરાને અનુસરીને આવતીકાલે સવારે 7:30 કલાકે કલેકટર , ધારાસભ્ય સહિતના અધિકારી પદાધિકારીઓ દ્વારા ભરડા વાવથી પદયાત્રા યોજવામાં આવશે અને ભવનાથ મંદિરે પહોંચ્યા બાદ નવ સ્થાપિત થયેલ 55 કિલોના ધ્વજ દંડ પર પ્રથમ વખત ધ્વજ રોહણ કરવામાં આવશે. આ સાથે જ વિધિવત રીતે મેળાનો પ્રારંભ થશે.
આ વખતે મેળાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ગિરનાર દરવાજાથી અંદાજે સાડા ત્રણ કિલોમીટર સુધીના રોડ પર શ્રદ્ધાળુઓ માટે પીવાનું પાણી અને છાશની વ્યવસ્થા કરવામાં આવી છે. પીવાના પાણી માટે કુલ 140 પોઈન્ટ અને દૂધ માટે 17 કેન્દ્રો ઊભા કરવામાં આવશે.

ટ્રાફિક મેનેજમેન્ટના ભાગરૂપે વાઘેશ્વરી મંદિર અને ગિરનાર દરવાજા પાસે બસ પાર્કિંગ સહિત અન્ય 20 જેટલા સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને દિવ્યાંગો અને અશક્ત ભાવિકો માટે સમાજ સુરક્ષા વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા વિશેષ સહાયની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
મેળાના મુખ્ય આકર્ષણ એવી રવેડીના રૂટમાં પણ આ વર્ષે 500 મીટરનો વધારો કરવામાં આવ્યો છે, જેથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકે. રવેડીમાં બિનજરૂરી ભીડ ન થાય તે માટે અગાઉથી ઓળખ પ્રક્રિયા કરવામાં આવશે. ઉપરાંત, સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે વિશેષ પાસ અને વ્યવસ્થા કરાઈ છે. અન્નક્ષેત્રો અને આશ્રમો માટે પણ વહીવટી તંત્રએ નમ્ર અભિગમ અપનાવી માલ-સામાનની એન્ટ્રીનો સમય બદલીને હવે સવારના 5 થી 9 વાગ્યા સુધીનો કર્યો છે.
આ મેળાનો પ્રારંભ 11મીની સવારે ભવનાથ મહાદેવના મંદિરે પરંપરાગત ધજારોહણ સાથે થશે. આ જ દિવસે સાંજે સાત કલાકે ભવ્ય ડમરૂ યાત્રા, મહા આરતી અને ધર્મસભાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સાધુ-સંતોની સરળ એન્ટ્રી માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ સાથે જ મેળા દરમિયાન ભાવિકોની સુવિધા અને સુરક્ષા માટે વિવિધ વિભાગોના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભાવિકો કોઈપણ આપત્તિ, માહિતી અથવા સહાય નંબરો પર સંપર્ક કરી શકશે.



