જૂનાગઢમાં દસ્તાવેજમાં ‘એફિડેવિટ’ માંગતા નાયબ મામલતદાર પર ચેમ્બરમાં ખુરશી વડે હુમલો!

જૂનાગઢ: શહેરની તાલુકા સેવા સદનથી ચોંકવનારો બનાવ બન્યો હતો. જેમાં ઈ-ધરા કેન્દ્રમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર પર બપોરે એક વ્યક્તિએ ખુરશીનો ઘા કરીને હુમલો કર્યો હોવાની ઘટના બની હતી. એક વ્યક્તિ મામલતદારની ચેમ્બરમાં ધસી આવ્યો હતો અને ખુરશીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં નાયબ મામલતદારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલઈ ફરિયાદની વિગતોના આધારે, નાયબ મામલતદાર ભાર્ગવભાઈ ધામેચા (ઉ.વ. ૩૮, રહે. જૂનાગઢ) એ જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રવીભાઈ ઉર્ફે રવીન્દ્ર પ્રવીણચંદ્ર ચંદે સામે સરકારી ફરજમાં રૂકાવટ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર ઘટના શું હતી?
નાયબ મામલતદાર ભાર્ગવભાઈ ધામેચા જૂનાગઢ સિટી ઈ-ધરા કેન્દ્રમાં ફરજ બજાવે છે. ગુરુવારે બપોરે આશરે ૧૨ વાગ્યાની આસપાસ, રવીન્દ્ર ચંદે સાથે કામ કરતા બે વ્યક્તિઓ (હરેશ કાચા અને રમેશ કાપડીયા) તેમની ચેમ્બરમાં એક વેચાણ દસ્તાવેજની એન્ટ્રી માટે અરજી લઈને આવ્યા હતા.
નાયબ મામલતદારે અરજી અને દસ્તાવેજોની ચકાસણી કરી હતી અને તેમણે જોયું કે જમીનના ગામ નમૂના નંબર-૭ માં પાણી લેવાના તથા રસ્તાના હક લખાયેલા હતા, પરંતુ દસ્તાવેજમાં આ અંગે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આથી, મામલતદારે હરેશ કાચાને આ બાબતે સ્પષ્ટતા માટે વધારાનું એફિડેવિટ રજૂ કરવા જણાવ્યું.
તેમણે દસ્તાવેજની ઓનલાઇન એન્ટ્રી તો લોક કરી દીધી, પરંતુ એફિડેવિટની વાતથી અરજદારના માણસોએ તેમના શેઠ રવીન્દ્ર ચંદે ને ફોન કર્યો હતો અને ફોન પર નાયબ મામલતદાર સાથે વાત કરી હતી, પરંતુ તેઓ એફિડેવિટની વાત સમજવા તૈયાર નહોતા. ફોન પર વાતચીત દરમિયાન રવીન્દ્ર ચંદે ગુસ્સે થઈ ગયા અને નાયબ મામલતદારને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા.
“હું તમને જોઈ લઈશ” અને “આર.ટી.આઈ. (RTI) કરીશ” જેવી ધમકીઓ પણ આપી હતી. નાયબ મામલતદારે પણ “તમારે જે કાર્યવાહી કરવી હોય તે કરી શકો છો” તેમ કહીને વાત પૂરી કરી. બોલાચાલીના થોડા જ સમયમાં, રવીન્દ્ર ચંદે પોતે ગુસ્સામાં ઓફિસમાં ધસી આવ્યા હતા અને ચેમ્બરમાંથી લાકડાની ખુરશી ઉપાડીને નાયબ મામલતદાર પર ઘા કર્યો હતો.
ઈજા અને ફરિયાદ
ખુરશીના ઘાથી ભાર્ગવભાઈને હાથ અને શરીર પર મૂંઢ માર લાગ્યો હતી. રવીન્દ્ર ચંદેએ તેમને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમયે તેમની સાથે આવેલા હરેશ કાચા અને રમેશ કાપડીયા તથા ઈ-ધરાના અન્ય સ્ટાફે વચ્ચે પડીને તેમને છૂટા પાડ્યા હતા.
નાયબ મામલતદારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રવીન્દ્ર ચંદે વિરુદ્ધ તેમની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા, મુંઢ ઈજાઓ પહોંચાડવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો…સુરત ભાજપના કાર્યાલયમાં ‘મારામારી’નો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો: પોલીસ ફરિયાદ થઈ