માણાવદર-બાંટવાની જુગારની ક્લબ પર પોલીસ મહેરબાનઃ હપ્તા વસૂલવાનો ભાજપના ધારાસભ્યનો આરોપ…

જૂનાગઢ: જિલ્લાના માણાવદર બેઠકના ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના જ ધારાસભ્યએ ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ માણાવદર અને બાંટવા પોલીસ પર હપ્તા વસૂલી કરવાનો અને પોલીસની મીઠી નજર હેઠળ હરતા-ફરતા જુગાર ક્લબ ચાલતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
મળતી વિગતો અનુસાર માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ માણાવદર અને બાંટવા પોલીસ પર હપ્તાખોરીનો આક્ષેપ લગાવ્યો હતો. જેના વિરોધમાં અરવિંદ લાડાણી અને તેમના સમર્થકો માણાવદર પોલીસ મથકની બહાર ધરણા પર બેસી ગયા હતા.

તેમને આરોપ લગાવ્યો હતો કે અહી ચાલતી જુગાર ક્લબો હપ્તાખોરીને કારણે ચાલી રહી છે. જેના કારણે પોલીસને એક દિવસની 70,000થી વધુ રૂપિયાની કમાણી થાય છે. તેમણે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ધારાસભ્યના આ ગંભીર આક્ષેપોને કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ખુદ સત્તાધારી પક્ષના જ ધારાભ્યના ગંભીર આક્ષેપોના કારણે આ મુદ્દે ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે આ મામલે બાંટવાના પીએસઆઈએ જણાવ્યું કે ગઈકાલે જ શહેરના ચુનારાવાડમાં પોલીસે રેડ પાડી હતી. જ્યાં 15 જેટલા જુગારીઓ પત્તા રમતા હતા.
જો કે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી હતી, જે પૈકી માત્ર ત્રણેક જુગારીઓ જ ઝડપાયા હતા. આ સમયે જે જુગારીઓ પોલીસના હાથમાંથી છૂટકી ગયા હતા. તેમણે ધારાસભ્યને ખોટી માહિતી આપી છે. જેથી પોલીસની છબિ ખરડાય. ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કરેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે.
આ પણ વાંચો…‘ધૂંધવાયા ધારાસભ્ય લાડાણી’ મામલતદાર કચેરીએ જમીન પર બેસીને ચીફ ઓફિસરને ખખડાવ્યા