જૂનાગઢમાં 24 કલાકમાં હત્યા બાદ ફરી હિંસક હુમલો: લોકસાહિત્યકાર રાજભા ગઢવીના સગા પર આક્ષેપ, યુવકને ધોકા-પાઈપથી માર્યો

જૂનાગઢ: જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. ગઈકાલે મોડી રાત્રે ફટાકડા ફોડવાની નજીવી બાબતે નિવૃત્ત PSIના પુત્ર સહિત પાંચ લોકોએ એક યુવકની હત્યા કરી હતી. આ ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં આજે ફરી મધુરમ વિસ્તારમાં જ ધોળા દિવસે હિંસક હુમલો થયો હતો. મધુરમ બાયપાસ નજીક પાનની દુકાન પર બેઠેલા યુવક મિહિરદાન લાંગડીયા પર 7થી વધુ શખ્સોએ ધોકા અને પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
મળતી વિગતો અનુસાર, હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મિહિરદાન લાંગડીયાને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેના બંને પગમાં ફ્રેક્ચર થયા હતા. ઇજાગ્રસ્ત યુવકે હુમલાખોરોમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવીના સગા પણ સામેલ હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતો. યુવક મિહિરદાને જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે અભય ગઢવી અને મહેશ ગઢવી સાથે બોલાચાલી થઈ હતી, જેમાં અભય ગઢવી દારૂ પીધેલ હાલતમાં હતા અને તેમને ગાળો આપી જાનથી મારવાની ધમકી આપી હતી. વધુમાં, મહેશ ગઢવીએ રાજભા ગઢવીની રિવોલ્વર કાઢીને ધમકાવ્યાનો પણ મિહિરદાને આક્ષેપ કર્યો હતો.
બોલાચાલીના વહેમમાં હુમલો
મિહિરદાનના જણાવ્યા મુજબ, રાત્રીની બોલાચાલીના વહેમમાં આજે સાંજે 5:30 વાગ્યે અભયદાન ગઢવીના કહેવાથી બે ગાડીમાં 7થી વધુ શખસો પાનની દુકાને આવ્યા હતા. તેમણે મિહિરદાનના કાકા વિશે પૂછપરછ કરી અને તેઓ ન મળતાં મિહિરદાન પર ધોકા-પાઈપથી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પાનની દુકાનમાં તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હુમલાખોરોમાં મહેશ ગઢવી, લખન ગઢવી, પૂંજો મેર, ભરત ઓડેદરા, કાનો ગઢવી અને અન્ય શખસો સામેલ હોવાનું ભોગ બનનાર યુવકે જણાવ્યું હતું
પોલીસની કામગીરી પર સવાલ
એક જ દિવસના ગાળામાં મધુરમ જેવા વિસ્તારમાં હત્યા અને ત્યારબાદ ધોળા દિવસે હિંસક હુમલાની ઘટના બનતા લુખ્ખા અને અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર ન રહ્યો હોય તેમ તેઓ બેફામ બન્યા છે. ઇજાગ્રસ્ત યુવકે મહેશ ગઢવી પાસે રાજભા ગઢવીની રિવોલ્વર હોવા અંગે પણ સવાલ ઉઠાવી પોલીસની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા.
આ પણ વાંચો…જૂનાગઢમાં દિવાળીની રાત્રે ફટાકડાના વિવાદમાં યુવકની હત્યા, ત્રણની ધરપકડ