મહાશિવરાત્રી પર ઉમટશે શ્રદ્ધાળુઓનો મહેરામણ; મેળાને લઈ વહીવટી તંત્રની તૈયારી

જુનાગઢ: સૌરાષ્ટ્ર એ સંતો અને ભક્તોની ધરતી છે. તેમાં પણ ગિરનારનું અદકેરું સ્થાન છે. તે ગરવા ગિરનારની ગોદમાં ભવનાથમાં દર વર્ષે શિવરાત્રીનો ભવ્ય મેળો યોજાય છે. સૌરાષ્ટ્ર સિવાય સમગ્ર રાજ્યમાં ખૂબ જ મહત્વ ધરાવતા પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો 22મી ફેબ્રુઆરીથી પ્રારંભ થવાનો છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કલેકટર દ્વારા મજેવડી ગેટ, ભરડાવાવ, વાઘેશ્વરી મંદિર પાસેનું ગ્રાઉન્ડ, ગિરનાર દરવાજા, ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તાર, ભવનાથ મંદિર, રવેડી રૂટ તેમજ ભવનાથ વિસ્તારની મુલાકાત કરી રસ્તા, સાફ સફાઈ, પીવાના પાણીની સુવિધાઓ, ટ્રાફિક નિયમન તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ બાબતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો…PHOTOS: કમલમમાં મહિલા કાર્યકર્તાએ ગરબા રમીને વિજયોત્સવ મનાવ્યો
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાન અંતર્ગત 22 ફેબ્રુઆરીથી શરૂ થનાર મહાશિવરાત્રી મેળા અન્વયે દામોદર કુંડ તેમજ મૃગી કુંડની સાફ-સફાઈ કરવામાં આવી. તે ઉપરાંત વિવિધ પાર્કિંગ સ્થળો પર લેવલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. ભવનાથ વિસ્તારમાં સાફ-સફાઈની કામગીરી પણ કરવામાં આવી રહી છે. મહાશિવરાત્રીના મેળા દરમિયાન સુચારૂ રીતે ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે જરૂરિયાત મુજબના રસ્તાઓને એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને વન-વે જાહેર કરવામાં આવ્યા છે.