જૂનાગઢના ખરાબ રોડને લઈ આમ આદમી પાર્ટી મેદાનમાંઃ કાર્યકરોએ હેલ્મેટને લઈ કહી આ વાત

જૂનાગઢ: ભારે વરસાદને કારણે રસ્તાઓ તૂટી ગયા હોવાથી લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ‘રોડ બનાવો-જીવ બચાવો’ ના નારા સાથે આપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. પરંતુ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી અટકાયત થયેલા લોકોમાં આપના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલ પણ સામેલ હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન રેશમા પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, જૂનાગઢમાં રસ્તાઓની આ ખરાબ હાલત ભાજપના શાસનને કારણે છે. અમે કહીએ છીએ કે રોડ બનાવો અને લોકોના જીવ બચાવો, કારણ કે ભાજપના શાસનમાં રસ્તાઓમાં ખાડા તો છે જ, પરંતુ હવે લોકો તે ખાડામાં પડીને મરી પણ રહ્યા છે.
રેશમા પટેલે હેલ્મેટના કાયદા પર પણ સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું, તમે હેલ્મેટનો કાયદો બનાવીને લોકો પાસેથી પૈસા પડાવો છો, પરંતુ વાસ્તવમાં તો અમારે રસ્તા પર ચાલવા માટે હેલ્મેટ પહેરવું પડે છે. આ દર્શાવે છે કે અમે ખાડામાં પડીને મરીએ છીએ.
તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારથી ભરેલા રસ્તાઓ બન્યા છે, જેને સુધારવાની જવાબદારી મનપાની છે. આમ આદમી પાર્ટીએ આ વિરોધને ભ્રષ્ટાચારથી ખદબદતી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાતની ખરાબ વાસ્તવિકતા ગણાવ્યો હતો. પોલીસે અટકાયત કરતા પહેલા કાર્યકર્તાઓએ જોરદાર નારા લગાવ્યા હતા.
આ પણ વાંચો…જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ ભાજપમાં પાડ્યું ગાબડું, દિગ્ગજ નેતા જીવાભાઈ મારડિયા આપમાં જોડાયા