જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની લેબોરેટરીમાં દીપડો ધુસ્યોઃ વન વિભાગે બેભાન કરી પાંજરે પૂર્યો
જૂનાગઢઃ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલી બાયો એનર્જી વિભાગની લેબોરેટરીમાં સવારે એક દીપડાનું બચ્ચું ઘુસી ગયું હતું. લેબમાં દીપડાનું બચ્ચું જોવા મળતા દોડધામ થઈ ગઈ હતી. કૃષિ યુનિવર્સિટીની બાયો એનર્જી લેબોરેટરીમાં દીપડો ઘૂસીની વનવિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. વનવિભાગની ટીમે દીપડાને બેભાન કરી પાંજરે પૂરતા યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો: જૂનાગઢ-ગીર-સોમનાથની નદીઓ છલકાઈ, ત્રણ દિવસના સતત વરસાદ બાદ આજે ઉઘાડ નીકળતા રાહત
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલી બાયો એનર્જી લેબમાં સવારે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ માટે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ લેબોરેટરીમાં દીપડાને જોતા જ દોડધામ મચી હતી. તમામ વિદ્યાર્થીઓ બહાર નીકળી લેબોરેટરીનો દરવાજો બંધ કરી આચાર્યને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કૃષિ યુનિવર્સિટીની લેબોરેટરીમાં દીપડો બંધ હોવાથી ટીમ દ્વારા ટ્રાન્કિવલાઈઝર ગનની મદદથી બેભાન કરી રેસ્ક્યૂ કરવાનો નિર્ણય કર્યો હતો. વન વિભાગની ટીમે ચાલુ વરસાદમાં એક કલાકની જહેમત બાદ દીપડાને બેભાન કરી પાંજરે પૂરવામાં સફળતા મળી હતી.