ગીર સોમનાથમાં છકડો, આઇસર અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત, કાકા-ભત્રીજા સહિત 3ના ઘટનાસ્થળે જ મોત…

અમદાવાદઃ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં સુરવા માધુપુર રોડ પર ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માત બાઈક, નારિયેળ ભરેલો છકડો રિક્ષા અને એક આઇસર ટ્રક વચ્ચે થયો હતો.
અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સુરવા-માધુપુર વચ્ચે ચૈતન્ય હનુમાન મંદિર પાસે ઘટેલા ટ્રિપલ અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને બચાવકાર્યમાં લાગ્યા હતા.
મળતી માહિતી અનુસાર નાળિયેર ભરેલો છકડો, આઇસર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો.
આ ટ્રિપલ અકસ્માતમાં બાઇક પર સવાર એક જ પરિવારના કાકા-ભત્રીજા બંનેના મોત થયા હતા, તેની સાથે જ નારિયેળ ભરેલો છકડો ચલાવનાર ચાલકનું પણ મોત થયું હતું. મૃતકોની ઓળખ કિશોરભાઈ, પ્રભુદાસભાઈ અને દીક્ષિતભાઈ વડોદરિયા તરીકે થઈ છે.
ઘટનાની જાણ થતાં જ તાલાલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે તાલાલાની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે. તાલાલા સરકારી હોસ્પિટલમાં મૃતકોના સ્વજનો દોડી આવ્યા હતા. મૃતકોના સ્વજનોના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ શોકમય બની ગયું હતું.



