સાવધાન! સિંહ સદનના નામે ફેક વેબસાઈટ બનાવી પ્રવાસીઓને ચૂનો ચોપડ્યો!

જૂનાગઢ: ગુજરાત અને સૌરાષ્ટ્રના ગૌરવ સમા એશિયાઈ સિંહોને નિહાળવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ ગીર ફરવા માટે આવે છે. ત્યારે ગીર સિંહ સફારીના નામે અનેક લોકોને છેતરવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. ગીરમાં સિંહ દર્શનનો લાભ લેવા માંગતા પ્રવાસીઓ અજાણતામાં ડિજિટલ સ્કેમર્સનો શિકાર બન્યા છે.
ગીર લાયન સફારીના પ્રવેશદ્વાર સાસણ ખાતે આવેલા સત્તાવાર સરકારી ગેસ્ટ હાઉસ ‘સિંહ સદન’ ની એક નકલી વેબસાઇટ બનાવીને પ્રવાસીઓને છેતર્યા હોવાનું સામે આવ્યું છે, આ અંગે મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હકીકતે સિંહ સદન માટે આવી કોઈ ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા નથી, તેમ છતાં ઠગબાજોએ જંગલની વચ્ચે આવેલ આ સુંદર ગેસ્ટ હાઉસમાં રહેવાની લાલચ આપીને ફેક રિઝર્વેશનની રિસિપ્ટ્સ મોકલી હતી. આ કૌભાંડનો પર્દાફાશ ગયા અઠવાડિયે થયો હતો, જ્યારે વલસાડથી આવેલો એક પ્રવાસી ફેક બુકિંગ વાઉચર લઈને સિંહ સદન પહોંચ્યો હતો.
જ્યારે તેને કહેવામાં આવ્યું કે બુકિંગ માત્ર રૂબરૂ જ થાય છે, ત્યારે પ્રવાસીએ વેબસાઇટ દ્વારા બુકિંગ કરાવ્યું હોવાનું અને ગેસ્ટ હાઉસના કર્મચારી હોવાનો દાવો કરનાર વ્યક્તિ સાથે વાત કરી હોવાનું જણાવ્યું હતું.
વલસાડના પ્રવાસીએ પોલીસને માહિતી આપી કે ફેક કર્મચારીએ તેને જમ્મુ અને કાશ્મીર (J&K)ની બેંક શાખાનો એક એકાઉન્ટ નંબર આપ્યો હતો, જેના પર તેણે પેમેન્ટ કર્યું હતું. વન વિભાગ અને પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, મુંબઈના અન્ય એક પ્રવાસીએ પણ આ જ વેબસાઇટ દ્વારા છેતરાયાની જાણ કરી હતી.
કૌભાંડની પુષ્ટિ કરવા માટે, વન વિભાગના એક બીટ ગાર્ડે પીડિતોએ જણાવેલી વેબસાઇટ દ્વારા રૂમ બુક કરવાનો પ્રયાસ કર્યો હતો. પેમેન્ટ કર્યા બાદ, ઓપરેટરે ન તો રિસિપ્ટ આપી, ન તો કોઈ જવાબ આપ્યો.
બાદમાં આ વેબસાઇટની ઝીણવટભરી તપાસ કરતાં, વન વિભાગના કર્મચારીઓને જાણવા મળ્યું હતું કે વેબસાઇટ કોઈને પણ જોઈને જ સત્તાવાર વેબસાઈટ હોય તેવું લાગે તે માટે સિંહ સદનના વાસ્તવિક ફોટા અને વીડિયો તેમજ રૂમના દરોની યાદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સાસણ ગેસ્ટ હાઉસના પ્રભારી રેન્જ ફોરેસ્ટ ઓફિસરઆ મામલે મેંદરડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વન વિભાગના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે સિંહ સદન મુખ્યત્વે સરકારી મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા પૂરી પાડે છે, જ્યારે ખાનગી મુલાકાતીઓને માત્ર રિસેપ્શન કાઉન્ટર પર રૂમની ઉપલબ્ધતાના આધારે રૂમ મળી શકે છે.



