ગણેશ જાડેજાના ફરિયાદી રાજુ સોલંકી સહિત 4ની સામે ગુનો દાખલ
જુનાગઢ: જુનાગઢના ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા ગણેશ ગોંડલ કેસમાં નવો વળાંક આવ્યો છે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ જુનાગઢના દલિત અગ્રણીના પુત્રને ઢોર માર મારવાને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી છે. હવે આ કેસમાં નવો જ વળાંક આવ્યો છે જેમાં રાજુ સોલંકી વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સંજય સોલંકીના પિતા રાજૂ સોલંકીની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં રાજૂ સોલંકી સહિત અન્ય ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજૂ સોલંકી ગણેશ ગોંડલ દ્વારા માર મારવાના કિસ્સામાં પીડિત સંજય સોલંકીના પિતા છે. રાજુ સોલંકી સહિત કુલ 5 લોકો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ હત્યા અને અપહરણની જૂનાગઢમાં ફરિયાદ
ગણેશ જાડેજા વિરુધ્ધ નોંધાયેલી ફરિયાદને લઈને આ મુદ્દો ભારે ચર્ચામાં છે. આ કેસમાં ગણેશ જાડેજા તરફથી સમાધાન માટે દબાણ કરવામાં આવતું હોવાનું રાજૂ સોલંકી દ્વારા ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું હતું. ધરપકડ મામલે પણ તેમણે કહ્યું હતું કે અમારા પરિવારને ખોટી રીતે ફસાવીને હેરાન કરવામાં આવી રહ્યો છે.
થોડા દિવસ પહેલા ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ સામે જુનાગઢના દલિત સમાજના પ્રમુખના દીકરાનું અપહરણ કરીને ગોંડલ લઈ જઈને તેને માર મારીને વિડીયો ઉતારવાના કથિત આરોપ સાથે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દરમિયાનગીરી કરીને ગોંડલમાં રેલીનું આયોજન કરી ચૂક્યા છે.