જામનગર

સ્પર્ધાત્મક ભરતીની તૈયારી માટે રનિંગ કરતાં જ ઢળી પડ્યો યુવક: ત્રણ સેકન્ડમાં હાર્યો જિંદગી સામે જંગ

જામનગર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નાની વયથી લઈને પ્રૌઢ વયના લોકોને હાર્ટ અટેક આવવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. કોઇ ગરબે રમતા, ચાલતા ચાલતા કે રોજિંદા કામ કરતાં લોકો ઢળી પડ્યા હોય તેવા વિડીયો સામે આવ્યા હતા. આવી વધુ એક ઘટના જામનગરથી આવી છે. જ્યાં પોલીસની ભરતીની તૈયારી માટે રનિંગની પ્રેક્ટિસ કરી રહેલ એક યુવાન હાર્ટ અટેક આવવાના લીધે માત્ર ત્રણ સેકન્ડમાં જ તેનું મોત થયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરમાં આહીર સમાજ વિદ્યાર્થી ભવન ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવકો વહેલી સવારે રનિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામના સરપંચના પુત્ર અને હાલ જામનગર ખાતે પોલીસ ભરતી માટેની શારીરિક તૈયારી કરી રહેલા જય હેમંતભાઈ જોગલ નામના યુવકને હાર્ટ એટેક આવતા તે ત્યા મેદાનમાં જ ઢળી પડતાં તેનું મોત થયું હતું.

https://twitter.com/AnandPanna1/status/1839201626780836068

હાલ સોશિયલ મીડિયામાં તે સમયના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા હતા, જેમાં ગ્રાઉન્ડ પર રનિંગ કરતી વખતે યુવક ત્યા જ ઢળી પડ્યો હતો. આ સમયે તેની સાથે તૈયારી કરી રહેલા અન્ય યુવાનોએ તેને તેડીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. યુવાનના મોતથી તેના પરિવાર અને ગામમાં ગમગીની છવાઈ ગઇ છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઈ જઈ રહ્યો છે. જામનગરના યુવક જય જોગલના હાર્ટ એટેકથી મોત થતાં ફરી એ વાત તરફ ઈશારો કર્યો છે કે યુવાનોએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત રહેવાની જરૂર છે. નિષ્ણાંતોનું માનવું છે કે યુવાનોમાં હાર્ટ એટેકના વધતા જતા કિસ્સાઓ પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે અસ્વસ્થ જીવનશૈલી, તણાવ, ખાવાની અનિયમિત આદતો, ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન વગેરે. નિષ્ણાતોનું કહેવું છે કે યુવાનો માટે તેમની બદલાતી જીવનશૈલી પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની ગયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button