જામનગરના કાલાવાડમાં ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ કરંટથી દંપતી સહિત ત્રણના મોતથી અરેરાટી…

જામનગરઃ જિલ્લાના કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક દંપતી અને એક શ્રમિકનો સમાવેશ થાય છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, અચાનક વીજ વાયર તૂટીને દંપતી અને એક યુવક પર પડ્યો હતો. જેના કારણે ત્રણેયને વીજ કરંટ લાગ્યો હતો અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. દુર્ઘટના બાદ ત્રણેય મૃતદેહોને કાલાવડની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. કાલાવડ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, જામનગર શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસ્યો હતો. બપોર બાદ અચાનક ભારે પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.વહેલી સવારથી જ વાદળિયું વાતાવરણ છવાયેલું હતું. બપોર પછી વરસાદ શરૂ થયો અને એક કલાકમાં કાલાવડમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હાલ પણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. વરસાદી પાણી શહેરના મુખ્યમાર્ગો પર ફરી વળ્યા હતા, જેના કારણે વેપારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે, વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.



