
જામનગરઃ ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે ખેત મજૂરી કરતા પરિવારના ત્રણ બાળકો પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. ત્રણ બાળકો ઘર નજીક રમતા હતા ત્યારે પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બહાર કાઢીને લઈ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ ફરજ પરના તબીબે ત્રણેય બાળકોને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
ત્રણ બાળકોના અચાનક અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મૃતકના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. ત્રણ વ્હાલસોયાના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
ગત મહિને ભાવનગરમાં પણ આવી જ ઘટના બની હતી. ભાવનગર જિલ્લાના ઘોઘા આડી સડક પાસે પાણીની ટાંકી નજીક રમતા રમતા ત્રણ બાળકોનો પગ લપસી જતા નજીકમાં આવેલા પાણી ભરેલા ખાડામાં ત્રણ બાળકો પડી ગયા હતા. જેમાં બે બાળકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક બાળકનું રેસ્ક્યૂ કરીને સ્થાનિકોએ બચાવી લીધો હતો.
મે મહિનામાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને વાપીની હદ પર આવેલા લવાછા ગામમાં એક્સપ્રેસ હાઈવેના પીલર નિર્માણ માટે ખોદેલા ખાડામાં વરસાદનું પાણી ભરાવાને કારણે બે બાળકોનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. દાદરા નગર હવેલીના રહેવાસી આ બાળકો ખાડામાં નાહવા ગયા હતા, પરંતુ ખાડો ઊંડો હોવાથી તેઓ બહાર નીકળી શક્યા નહીં, જેના કારણે આ દુર્ઘટના બની હતી.