રિલાયન્સના 'વંતારા'ની મુશ્કેલી વધી! સુપ્રીમ કોર્ટે SITની રચના કરી, આ મામલે તપાસ કરશે | મુંબઈ સમાચાર
જામનગર

રિલાયન્સના ‘વંતારા’ની મુશ્કેલી વધી! સુપ્રીમ કોર્ટે SITની રચના કરી, આ મામલે તપાસ કરશે

જામનગર: રિલાયન્સ ફાઉન્ડેશને જામનગરમાં વંતારા ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (Vantara Greens Zoological Rescue and Rehabilitation Centre) બનાવ્યું છે, જેમાં દેશ-વિદેશથી લાવવામાં આવેલા સંખ્યાબંધ પ્રાણીઓને આશ્રય આપવામાં આવ્યો છે અને ઈજાગ્રસ્ત પ્રાણીઓની સારવાર માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સેન્ટરમાં પ્રાણીઓને લાવવા માટે કાયદાનું ઉલંઘન કરવામાં આવ્યું હોવાના આરોપો લાગવવામાં આવ્યા છે. હવે વંતારાની કામગીરીની તપાસ કરવા માટે એક સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પંકજ મિથલ અને પ્રસન્ના બી. વરાલેની બેન્ચે એક પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશનની અરજી પર સુનાવણી કરતી વખતે SITની રચનાનો આદેશ આપ્યો હતો.

બેન્ચે ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ જે. ચેલમેશ્વરના નેતૃત્વ હેઠળની SIT ની રચના કરી છે. આ SIT વંતારાની કામગીરીની તપાસ કરશે. આ ઉપરાંત આ SIT તપાસ કરશે કે ભારત અને વિદેશથી પ્રાણીઓને સેન્ટરમાં લાવવા માટે વન્યજીવન સંરક્ષણ કાયદા અને અન્ય સંબંધિત કાયદાઓની જોગવાઈઓનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હતું કે નહીં.

SIT આ મુદ્દે તપાસ કરશે:
પૂર્વ ન્યાયાધીશ ચેલમેશ્વરના આગેવાની હેઠળની આ SITમાં ઉત્તરાખંડ અને તેલંગાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રાઘવેન્દ્ર ચૌહાણ, મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલે અને કસ્ટમ્સના એડીશનલ કમિશનર અનિશ ગુપ્તાનો સમાવેશ થાય છે.
SIT વંતારાની કામગીરી ઉપરાંત પ્રાણીઓના અધિગ્રહણ, કાયદાનું પાલન, આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ, પર્યાવરણીય બાબતો, પ્રાણીઓના સંરક્ષણ, વન્યજીવન વેપારમાં નાણાકીય નિયમોનું પાલન વગેરે મુદ્દે તપાસ કરશે.

વંતારાની પ્રતિક્રિયા?
વંતારાએ સુપ્રીમ કોર્ટના SIT નું નિર્ણય સ્વાગત કર્યું કર્યું છે. વંતારાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું, તે માનનીય સુપ્રીમ કોર્ટના આદેશનું ખૂબ જ આદર સાથે સ્વાગત કરે છે. તેઓ પારદર્શિત અને કાયદાનું સંપૂર્ણ પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. તપાસ ટીમને સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.

આપણ વાંચો: સૌરાષ્ટ્રનો લોકપ્રિય તરણેતરનો મેળો આજથી શરૂ: શિવભક્તિ અને લોકસંસ્કૃતિનો સંગમનું જાણો શિડ્યૂલ…

સંબંધિત લેખો

Back to top button