જામનગર

જામનગરમાં રણજીતસાગર સહિત અનેક ડેમ છલકાયા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

જામનગર: હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે, આ દરમિયાન જામનગર જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. અનેક ડેમ છલકાઈ ગયા છે અથવા ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, જેને પગલે સિંચાઈ વિભાગ દ્વારા અસરગ્રસ્ત ગામોને સાવચેત રહેવા અને ડેમ સાઇટ પર અવરજવર ન કરવા સૂચનાઓ જારી કરવામાં આવી છે.

રણજીતસાગર ડેમ 100% ભરાયો

સિંચાઈ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રણજીતસાગર ડેમ 100% ભરાયો છે. જામનગર તાલુકાનો રણજીતસાગર ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે અને ઓવરફ્લો થવાની શક્યતા છે. આથી, ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને ખાસ સાવચેતી રાખવા અને ડેમ સાઇટ પર જવાનું ટાળવા જણાવાયું છે. તે સિવાય જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનો ફુલઝર-1 ડેમ 70 ટકા સપાટીએ ભરાઈ ગયો છે. ખંઢેરા, નાગપુર, ગોરાણીયા અને વોડીસંગ ગામના લોકોને સાવચેત રહેવા અને ડેમ સાઇટ પર ન જવા સૂચના અપાઈ છે.

સપડા ડેમ 70% ભરાયો

જામનગર તાલુકાનો સપડા ડેમ પણ 70 ટકા સપાટીએ ભરાઈ ગયો છે. સપડા, મોડા, ગંગાજળા, અલિયાબાડા, શેખપાટ, ખીજડીયા, ધુવાવ અને ખીમરાણા ગામના લોકોને સાવચેત રહેવા તથા ડેમ સાઇટ પર અવરજવર ન કરવા જણાવાયું છે. પાણીની સતત આવકને કારણે જામનગર તાલુકાનો રંગમતી ડેમ 80 ટકા સપાટીએ ભરાઈ ગયો છે. ચંગા, ચેલા, દરેડ, નવા નાગના, જુના નાગના અને નવાગામ ઘેડના લોકોને સાવચેત રહેવા તથા ડેમ સાઇટ પર અવરજવર ટાળવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો કચ્છમાં રહેણાંક વિસ્તારમાંથી દુર્લભ બ્લેક સ્પોટ હેડ સર્પને રેસ્ક્યુ કરાયો

જામનગર તાલુકાના રૂપારેલ ડેમમાં પણ પાણીની આવકને કારણે 70 ટકા સપાટીએ ભરાઈ ગયો છે. પસાયા અને બેરાજા ગામના લોકોને સાવચેત રહેવા અને ડેમ સાઇટ પર ન જવા સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત વાગડીયા ડેમ સંપુર્ણ ભરાઇ ગયેલ હોય અને ઓવરફલો થવાની શકયતા હોય વાગડીયા, વાણીયા, મોટી ભલસાણ તથા સુમરી ભલસાણ ગામોના લોકોને સાવચેત રહેવા તથા ડેમ સાઇટ પર અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લામાં વરસાદની સ્થિતિને જોતા, સંબંધિત ગ્રામ પંચાયતો અને સ્થાનિક તંત્રને એલર્ટ રહેવા અને કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે જરૂરી પગલાં લેવા આદેશ આપવામાં આવ્યા છે. લોકોને પણ નદી કાંઠાના વિસ્તારો અને ડેમ સાઇટથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button