ક્રિકેટરના પત્નીમાંથી ‘મંત્રી’: રિવાબા જાડેજાની ટૂંકી પણ સફળ રાજકીય સફર…

ગાંધીનગર: આજે ગુજરાતમાં મંત્રીમંડળ બદલાઈ ગયું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં અનેક નવા ધારાસભ્યોને સ્થાન મળ્યું, જે પૈકીનું એક નામ રિવાબા જાડેજાનું છે. અગાઉ તેઓ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની તરીકે જાણીતા હતા. પરંતુ હવે તેઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે ઓળખાશે. બહુ ટૂંકી રાજકીય કારકિર્દીમાં તેઓ નવા મૂકામે પહોંચ્યા છે. તેમની આ સફર કેવી રહી ચાલો જાણીએ.
રિવાબા રાજકારણમાં કેવી રીતે આવ્યા
રિવાબા જાડેજાનો જન્મ 5 સપ્ટેમ્બર, 1990ના થયો હતો. તેમણે રાજકોટની આત્મીય ઈન્સ્ટિસ્ટૂયટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. 17 એપ્રિલ 2016ના તેમના લગ્ન ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે થયા હતા. તેમના લગ્નમાં બંનેના પરિવારજનો અને નજીકના ખાસ મિત્રો હાજર રહ્યા હતા. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી.

આ પણ વાંચો…લોકપ્રિય ગુજરાતી ક્રિકેટર પત્નીને પગલે-પગલે જોડાયો ભાજપમાં
લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાયાં
રિવાબા જાડેજાના રાજકીય જોડાણની વાત કરીએ તો તેઓ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા હરિ સિંહ સોલંકીના સંબંધી છે. તેઓ જાણીતા રાજપૂત સંગઠન કરણી સેનાના પણ સભ્ય છે. કરણી સેનામાં તેમણે મહિલા શાખાના પ્રમુખ તરીકે પણ કામ કર્યું હતું. આ રીતે સામાજિક ક્ષેત્રે સક્રિય થયા બાદ તેઓ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા અને એક કાર્યકર્તા તરીકે પોતાની કામગીરી શરૂ કરી હતી.
દિગ્ગજ નેતાઓને હરાવી બન્યા ધારાસભ્ય
રિવાબા જાડેજાએ જામનગરના રાજકારણ પર પોતાની પકડ મજબૂત બનાવી હતી. જેને ધ્યાનમાં રાખીને ભાજપે તેઓને જામનગર (ઉત્તર) વિધાનસભા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડાવી હતી. પોતાની પત્ની માટે રવિન્દ્ર જાડેજાએ પણ ચૂંટણી પ્રચાર કર્યો હતો. રિવાબા જાડેજાએ કૉંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજા અને આપ (આમ આદમી પાર્ટી)ના કરશનભાઈ કરમૂરને હરાવ્યા હતા. રિવાબા જાડેજાએ 53,570 મતની લીડથી જીત મેળવી હતી. આમ તેમણે વિધાનસભામાં પ્રવેશ મેળવ્યો હતો અને હવે તેઓ રાજ્ય કક્ષાના મંત્રી બની ગયા છે.
આ પણ વાંચો…ગુજરાતના પ્રધાન મંડળના નવા સભ્યોનો એક ક્લિકમાં જાણો પરિચય…