જામનગર

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભૂતપૂર્વ પ્રધાને મહિલાનાં કપડાંમાં બતાવીને શું લખાયું ? કોની સામે થઈ ફરિયાદ ?

ગાંધીનગરઃ રાજ્યના પૂર્વ કૃષિ પ્રધાન અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેમનો મહિલાનાં કપડાંમાં બતાવીને તેમનો બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાઘવજી પટેલ પક્ષ પલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા.

શું લખ્યું છે

પૂર્વ પ્રધાન રાઘવજી પટેલના ફોટાને એડિટ કરી સાડી પહેરાવીને ‘આ છે આપણા ગુજરાતનું ગૌરવ, પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ ભ્રષ્ટાચારનું ઘર’ જેવું લખાણ લખીને ફેસબુક અને ઇન્ટ્રાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં ફોટા અને વીડિયો અપલોડ કરતા ભારે ઉહાપોહ મચી ગયો છે. જેના પગલે ખુદ પૂર્વ પ્રધાને બંને આઇડી ધારકો સામે જામનગર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.


જે ફરિયાદમાં લખાવ્યું છે કે, ફેસબુકમાં વિશાલ કણસાગરા અને ઇન્સ્ટાગ્રામમાં વી. કણસાગરા 77 નામે આઈડી ધરાવતા ઈસમોએ તેમની મંજૂરી વગર ફોટા મેળવી લીધા હતા અને આ ફોટોગ્રાફ્સને આટફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા એડિટ કરીને વિકૃત કરી સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા હતા.

વધુમાં ફરિયાદ મુજબ, આરોપીઓએ બદનક્ષી થાય તેવા લખાણ સાથેના ખોટા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ અને વીડિયો બનાવીને પૂર્વ પ્રધાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હતી. આ કૃત્ય પાછળ સમાજમાં બદનક્ષી કરવી, નાણા પડાવવા અથવા સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો ઇરાદો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સાયબર ક્રાઈમ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, 2017ની વિધાનસભાની ચૂંટણીઓ બાદ ધારાસભ્ય પદ પરથી રાજીનામાં, પક્ષ પલટા અને લોકસભાની ચૂંટણીઓને કારણે 10 બેઠકો ઉપર ચૂંટણી આવી પડી. એપ્રિલ અને ઓક્ટોબરમાં આ ચૂંટણીઓ યોજાઈ. 10 બેઠકોમાંથી 06 બેઠકો કોંગ્રેસની હતી. જ્યારે 04 બેઠકો ભાજપની હતી. પરંતુ આ ચૂંટણીઓ બાદ 07 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી.

જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થયા હતા. ભાજપે પેટા ચૂંટણીઓમાં આ સીટ પરથી રાઘવજી પટેલને ટિકીટ આપી હતી. રાઘવજી પટેલે કોંગ્રેસના ઉમેદવાર જયંતિ સભયને 33,022 મતોથી પરાજય આપ્યો હતો. રાઘવજી પટેલને 88,254 મત મળ્યા જ્યારે જયંતિ સભાયને 55,232 મત મળ્યા હતા.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button