જામનગરમાં જુગારમાં મોટી રકમ હારતા આચાર્ય ચોરીના રવાડે ચડ્યાઃ 26 ચોરીનો ભેદ ખૂલ્યો

જામનગરઃ જામનગરથી એક ચોંકાનારો કિસ્સો સામે આવ્યો હતો. ઓનલાઈન જુગારમાં મોટી રકમ હારી જતાં આચાર્ય ચોરીના રવાડે ચડ્યો હતો. પોલીસે તેને ઝડપીને 26 ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચ (એલસીબી)ને આંગણવાડીઓમાં ગેસ સિલિન્ડર ચોરનાર પ્રાથમિક શાળાનો સસ્પેન્ડેડ આચાર્ય/શિક્ષક કાંતિલાલ ડાયાભાઈ નકુમ (રહે. જામખંભાળિયા) આ ગુનામાં સંડોવાયેલો હોવાની બાતમી મળી હતી.
આ ઉપરાંત તેણે ચોરી કરેલા ગેસ સિલિન્ડર જામનગર તાલુકાના દરેક ગામ નજીક આવેલા સીએનજી પેટ્રોલપંપ પાસેની એક અવાવરુ ઓરડીમાં રાખ્યા હોવાની અને તેને સગેવગે કરવાની ફિરાકમાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે રેઇડ કરીને તને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ચોરી કરતા સસ્પેન્ડ કર્યા
મળતી વિગત પ્રમાણે, આરોપી કાંતિલાલ નકુમ જામખંભાળિયા તાલુકાના કોટા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો. તે ઓનલાઈન જુગારમાં મોટી રકમ હારી જતાં ચોરીના રવાડે ચડ્યો હતો. શરૂઆતમાં તેણે શાળામાંથી લેપટોપ વગેરેની ચોરી કરી હતી, જેના કારણે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. સસ્પેન્ડ થયા બાદ, તેણે વિવિધ આંગણવાડીઓને નિશાન બનાવી હતી.
પૂછપરછમાં કરી કબૂલાત
પૂછપરછ દરમિયાન તેણે કુલ 26 જેટલી આંગણવાડીઓમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં જામનગર જિલ્લામાં 11, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 10 અને પોરબંદર જિલ્લામાં પાંચ આંગણવાડીઓનો સમાવેશ થાય છે.
આપણ વાંચો : અમદાવાદના રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ વખત યોજશે ગરબા, શરતો પણ હશે
આવી હતી મોડર ઓપરેન્ડી
આરોપી આચાર્ય આંગણવાડીઓની રેકી કરતો હતો અને પછી ડિસમિસ અને લોખંડના સળિયા જેવા સાધનોનો ઉપયોગ કરીને દરવાજાના તાળા અને નકુચા તોડીને ગેસ સિલિન્ડરની ચોરી કરતો હતો. ચોરી કર્યા બાદ તે ગેસ સિલિન્ડરોને જુદા જુદા સ્થળોએ છુપાવી દેતો હતો. જામનગર એલસીબી વધુ તપાસ કરી રહી છે.