કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ જામનગરમાં નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો શું છે મામલો

જામનગરઃ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી સહિત પાંચ જેટલા લોકો સામે જામનગરમાં પોલીસ ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું હતું. જામનગરમાં મુસ્લિમ કોમના સમૂહલગ્નમાં આવેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ આ કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો, જેને પગલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
શું છે મામલો
જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં કિશન નંદા નામના ફરિયાદીએ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી, જામનગર મનપાના પૂર્વ વિપક્ષ નેતા અલ્તાફ ખફી, સંજરી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સમૂહ શાદીના આયોજકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ પુર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફીના જન્મદીનના અનુસંધાને સંજરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ સમુહ શાદીનું આયોજન કરાયુ હતું અતે તેમા રાજયસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી ઉપસ્થિત રહયા હતા.
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો હતો. સાંસદ ઇમરાન પ્રતાપગઢીની કાર્યક્રમમાં એન્ટ્રી સાથે વિડીયો ક્લીપના બેકગ્રાઉન્ડમાં ઉશ્કેરણીજનક અને રાષ્ટ્રીય એકતાની વિરુદ્ધના સંવાદો વગાડવા સંબંધે ગુનો નોંધવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો.
આ અંગેની પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગતો મુજબ એકસ મિડીયા પ્લેટફોર્મ પર તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કાર્યક્રમના દ્રશ્યો-ફોટા અને બેકગ્રાઉન્ડમાં ‘એ ખુન કે પ્યાસો બાત સુનો હક્ક કી લડાઇ…’ એ પ્રકારનો અવાજ સાથેની એક વિડીયો કિલપ મુકવામાં આવી હતી, આ વિડીયોમાં જેમા લાગણી દુભાવવાના હેતુથી આ પ્રકારના શબ્દો ઉચ્ચારી ઉશ્કેરાટ ફેલાઇ શકે એવી ભાષા વાપરી એકબીજાને મદદગારી કરી હોય આ દરમ્યાન વાયરલ આ કલીપ ધ્યાન પર આવતા જામનગરના એક જાગૃત નાગરીક દ્વારા સીટી-એ ડીવીઝનનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ઉપરોકત વિગતોના આધારે જાગૃત નાગરીક દ્વારા સીટી-એમાં સંજરી ગ્રુપના આયોજક પુર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી અને રાજયસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢીની સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર વ્યાપી ગઈ હતી