હાસ્ય જગતમાં હવે ‘વસંત’ નથી
તેમનું નામ તો પરેશ ખેતસીભાઈ વસંત… પણ લોકો તેને તેમના તખલ્લુસ (ઉપનામ) ‘બંધુ’ થી વિશેષ ઓળખે, બોલાવે અને નવાજે. કેટલાક અજાણ્યા તો તેની ‘વસંત’ અટકને જ તેનું નામ સમજી લેતા.
જામનગરનો એ તેજસ્વી સિતારો હાસ્યગગનના ગોખે ત્રણ દાયકા સુધી સૂર્યની માફક ઝળહળતો રહ્યો. ડાયરા-મહેફિલની વ્યાપક રોનકમાં તેનું નામ માત્ર પૂરતું હતું. હિન્દી ભાષાની સ્વરચિત શાયરીઓને પોતાના કથનાત્મક કાર્યક્રમમાં એવી રીતે વણી લે કે, શ્રોતાઓ આફરીન પોકારી ઊઠે. કેટલાક સમકાલીન ઉદઘોષકો પણ બંધુ રચિત પ્રેમ તથા મૃત્યુ વિષયક ચોટદાર શાયરીઓને પોતાના ઉપયોગમાં લેતા.
વીસમી સદીના અંતિમ બે દાયકા અને એકવીસમીના પ્રથમ દોઢ દસક સુધી ગુજરાતના કોઈપણ ધોરીમાર્ગ આવતી હોટલો-ધાબા ઉપર તેમની હાસ્ય રસિક કેસેટો જ સાંભળવા મળતી. તેમની અભિનય મિશ્રિત હાસ્યકલાના ચાહકવર્ગમાં યુવાનો, મહિલાઓ, ગ્રામ્ય પ્રદેશના વયોવૃદ્ધો, સંતો-મહંતો, શિક્ષિતો ઉપરાંત શ્રમજીવી વર્ગ પણ હતો. ચાહકો સદાય તથા વારંવાર તેમને સાંભળવા ઉત્સુક રહેતા. મલકાટના મહારથીઓ પાસે મબલખ મિત્રોની મિરાત હતી.
“તમારી દ્રષ્ટિ હાસ્યની હોય તો આપણી આસપાસમાંથી જ હાસ્ય મળી રહે…” તેવું ઉચ્ચારનાર બંધુ પોતાની પત્નીના સંબંધો તેમજ મિત્રોનો નામોલ્લેખ કરી એવી શૈલીથી જોક્સ કરતા કે, લોકો તેની વાતને સાચેસાચી માની લેતા. “પાલી” વાળો જોક્સ તો આપણે ગમે તેટલી વખત તેમના મુખેથી સાંભળીએ તો પણ હસ્યા વિના ના રહી શકીએ.
ધર્મ અને રાજકારણ એ સ્નિગ્ધ વિષયો છતાં તેમાં પ્રવર્તતી બદીઓ અંગે બેધડક જોક્સ કરતાં… ત્યારે નેતાઓ તેમજ સંતો પણ હસીને તેનો સ્વીકાર કરતા. તેમના કંઠે કહેવાયેલી એંસીથી પણ વધુ ઓડિયો કેસેટો, તેનું વિષય વૈવિધ્ય, અનેકાનેક વિદેશયાત્રાઓ, કાર્યક્રમ સંચાલનો તેમને સ્ટેજ પર પ્રમોટ કરેલા અનુગામી હાસ્ય કલાકારો જેવી અઢળક બાબતો તો પુસ્તક ભરાય તેટલી છે.
110 કેસેટ અને સીડી વસંતભાઈ ના અવાજમાં ગુજરાતીઓના હૃદય સુધી પહોંચી હતી. હાસ્યનો પ્રકાર છે બ્લેક હ્યુમર. સ્મશાન યાત્રા અને નનામી ઉપર પણ જોક કરી અને ખડખડા ઢસાવી શકે અને બીજી જ ક્ષણે આંખના ખૂણા ભીના પણ કરાવી શકે તેવી ક્ષમતા વસંતભાઈ માં હતી. નવોદિત હાસ્ય કલાકારો નું ઘોડિયાઘર કહી શકાય ઘણા કલાકારોને હાથ પકડી અને સ્ટેજ પર બેસાડ્યા છે. સાયરામ દવે ગુણવંત ચુડાસમા મિલન ત્રિવેદી કિરીટ વ્યાસ ગિરીશ શર્મા જગદીશ ત્રિવેદી નીરવ મહેતા જેવા નામી અનામી ઘણા કલાકારોને માર્ગદર્શન આપી અને વાહ વાહી કેમ લૂંટાય તે શીખવ્યું છે. દિલદાર કલાકાર સૂક્ષ્મ હાસ્ય ના બેતાજ બાદશાહ હતા. દેશ-વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં તેના હૃદય સુધી પહોંચી અને ખડખડાટ હસાવ્યા છે.
જામનગરની અનન્ય ઓળખ બની ગયેલા આ કલાકાર તેમની હાસ્ય કલા પ્રદર્શન થકી સદાય જીવંત રહેશે. પરંતુ આવી ઓળખને ગુમાવવી એ આપણા શહેર માટે ઊંડો આઘાત છે.
હાસ્ય કલાકાર તરીકે એટલું જ કહી શકાય કે સારો કલાકાર વહેલો બુક થાય. ઈશ્વરે સ્વર્ગમાં હાસ્ય દરબાર યોજવો હશે તેવું માનવું રહ્યું.