જામનગરમાં SOG PI ના રાઇટરની ખોટી ઓળખ આપી યુવક પાસેથી 1.57 લાખ પડાવ્યા…

જામનગર: ગુજરાતમાં લગભગ બધુ જ નકલી મળી રહ્યું છે ત્યારે નકલીનો રેલો હવે જામનગર પોલીસ મથક સુધી પહોંચ્યો છે. કારણ કે જામનગરમાં એક શખ્સે પોતે SOG પોલીસ ઇન્સ્પેક્ટરના રાઇટર હોવાની ખોટી ઓળખ આપીને યુવક પાસેથી રૂ. 1.57 લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
PIના રાઇટરની ખોટી ઓળખથી કરી છેતરપિંડી
મળતી વિગતો અનુસાર જામનગરમાં એક શખ્સે પોતે SOG પોલીસ ઇન્સ્પેક્ટરના રાઇટર હોવાની ખોટી ઓળખ આપીને 19 વર્ષીય યુવક પાસેથી રૂ. 1.57 લાખની છેતરપિંડી આચરી હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. શહેરના નવીવાસ આંબલી ફળીમાં રહેતા અને કટલેરીનો ધંધો કરતાં મોહમ્મદ રિયાન ઇમ્તિયાઝભાઈ શેખના મામા નાર્કોટિક ડ્રગ્સના કેસમાં હાલ જેલમાં છે. ગત માર્ચ મહિનામાં એક અજાણ્યા શખ્સે યુવકને ફોન કરીને પોતે SOG PIના રાઇટર હોવાની ઓળખ આપી હતી. શખ્સે યુવાનને તેના મામાને મદદ કરવા માટે પૈસા આપવાની માગ કરી હતી.
SOG વાળા ઉપાડી જશે તેવો ડર
ફરિયાદમાં નોંધાયેલી વિગતો અનુસાર ફરિયાદી યુવકે 10 માસથી જેલમાં બંધ તેના મામાને જેલમાં જઈને મદદ કરવા અંગે તેમજ પોતાના મામા સાથે આ કેસમાં સંડોવાયેલા હોય આથી તેનું નામ કાઢી નાખવા અંગે અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદી પાસે પૈસાની માંગણી કરવામા આવી હતી.તે ઉપરાંત આ શખ્સે જેલમાં આરોપીને મદદ કરતો હોવાનુ કહી SOG વાળા ઉપાડી જશે તેવો ડર પણ યુવકને બતાવ્યો હતો.
આ શખ્સે વ્હોટ્સએપ પર ચેટ કરીને યુવક પાસેથી 1.57 લાખ રૂપિયા પડાવ્યા હતા. રકમ આપ્યા બાદ પણ સતત રકમની માંગ કરવામાં આવતી હોવાથી અંતે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આપણ વાંચો : Jamnagar અને દ્વારકામાં બાકીદારો પાસેથી 36.65 કરોડ વસૂલવા વીજ તંત્રની 225 ટીમો મેદાનમાં ઉતરી…