
જૂનાગઢઃ શહેરના ઝાંઝરડા રોડ પર ગેસની પાઈપ લાઈન તૂટતાં ભીષણ આગ લાગી હતી. દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી વિગત પ્રમાણે, જૂનાગઢના ઝાંઝરડા રોડ પર ખોદકામ ચાલતું હતું ત્યારે ગેસ લાઈન તૂટતાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી.
આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે ચાર લોકો દાઝી જતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે સાત-આઠ વાહનો અને પાંચ જેટલી દુકાન પણ ઝપેટમાં આવી ગઈ હતી. આ વિસ્તારમાં આસપાસ ખાણીપીણીની દુકાનો અને પાનના ગલ્લા હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. આગના કારણે લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ફાયરબ્રિગેડની ટીમે આવીને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આગમાં એક ચાર વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.