જામનગર જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામની કામગીરી શરૂ થઈ

જામનગરઃ જિલ્લામાં વરસાદના કારણે માર્ગ વ્યવસ્થાને અસર પહોંચી હતી. વરસાદ અને સતત પાણી ભરાવવાને કારણે અનેક વિસ્તારોમાં માર્ગોમાં ખાડા પડી ગયા હતા તેમજ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતા. જામનગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા તાત્કાલિક પગલા ભરીને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કાલાવડ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા નાની વાવડી થી સ્ટેટ હાઇવે રોડ પર ૪ કિ.મી.ના રસ્તા પર ડામર અને પેચવર્કનું કાર્ય કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અડચણ ન થાય તેમજ અકસ્માતોનો ભય ન રહે તે માટે ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : અમૃતસર-જામનગર એક્સપ્રેસવે પર ટોલ માફી: NHAI નો મોટો નિર્ણય, ક્યાં સુધી મળશે રાહત?
ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં રોડ રસ્તાના સમારકામની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા દશેરા પહેલાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રસ્તાઓના બાંધકામમાં ઉચ્ચ ગુણવત્તાના મટીરીયલ્સનો ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે કડક ગુણવત્તા નિયંત્રણના માપદંડ અપનાવવામાં આવ્યા છે.