જામનગરની રંગમતી નદી પરનો વર્ષો જૂનો પુલ તોડી પાડી નવો બનાવવામાં આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ વર્ષો જૂના અને જર્જરિત પુલને લીધે લોકોના જીવ જોખમમાં મુકાય છે અને ગુજરાતમાં આવી દુર્ઘટનાઓ બની ચૂકી છે ત્યારે હવે તંત્ર આગોતરી સાવચેતી વર્તી રહી છે. જામનગરનો લગભગ 47 વર્ષ જૂનો જર્જરિત પુલ મકરસંક્રાતીના તહેવાર બાદ તોડી પાડવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ પુલ તોડ્યા બાદ અહીં રૂ. 19.48 કરોડના ખર્ચે નવો પુલ ઊભો કરવામાં આવશે, તેવી માહિતી પણ મળી હતી.
કાલાવડ નાકા બહાર અલગ અલગ વિસ્તારોમાં વસવાટ કરતા લોકો માટે આ મહત્વનો પુલ છે. રોજ સેંકડો લોકો આ પુલ પરથી પસાર થાય છે ત્યારે પુલ જર્જરિત થયો હોવાથી નવા પુલની માગણી માટે મુખ્ય પ્રધાનને પત્ર લખવામાં આવ્યો હતો. હવે નવા પુલ માટે ટેન્ડર પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પુલ તોડયા પછી લોકોની અવરજવર માટે ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે. આ અંગેની તૈયારી પણ પાલિકાએ કરી લીધી છે. આગામી ચોમાસા પહેલા પુલનો અમુક ભાગ અવર-જવર માટે તૈયાર કરી દેવાની ગણતરી સ્થાનિક તંત્રની હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



