ખોટા નકશા, બોગસ કરારોથી ગરીબોને પધરાવી દીધી સરકારી જમીન; 2.80 કરોડનું કૌભાંડ કરનારા 6 સામે ફરિયાદ…

જામનગર: શહેરમાં સરકારી ખરાબાની જમીન પચાવી પાડીને તેના પ્લોટ બનાવી વેચી નાખવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જામનગર શહેર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે જિલ્લા કલેક્ટર અને લેન્ડ ગ્રેબિંગ કમિટીના આદેશ અનુસાર ૬ શખ્સો વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સોએ જામનગરના સરકારી ખરાબાની અને નદીકાંઠાની અંદાજે ૨.૮૦ કરોડ રૂપિયાની કિંમતની ૮૫૮૬.૫૦ ચોરસ મીટર જમીન પચાવી પાડી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ ફરિયાદની વિગતો મુજબ, આરોપીઓએ ‘જય સરદાર નોન-ટ્રેડિંગ કોર્પોરેશન’ નામે સંસ્થા ઉભી કરી હતી. તેઓએ સરકારી ખરાબાના સર્વે નંબર 1125 અને તેની આજુબાજુની નદીકાંઠાની જમીનમાં ગેરકાયદેસર રીતે કુલ 66 પ્લોટ પાડી દીધા હતા. આ જમીન ક્યારેય આ શખ્સોને ફાળવવામાં આવી નહોતી કે તેમની પાસે કોઈ માલિકી હક નહોતો, તેમ છતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લલચાવીને ખોટા નકશા અને વેચાણ કરારો બનાવી પ્લોટનું વેચાણ કરીને લાખો રૂપિયાનો આર્થિક લાભ લીધો હતો.
આ કૌભાંડમાં મનસુખ રતીલાલ ભટ્ટી, આમદભાઇ ઉંમરભાઇ ખફી, નુરમામદ ઉર્ફે બોદુભાઇ ચાવડા, રાજેશ કાંતીલાલ મારૂ, યજ્ઞેશ રતિલાલ રાણપરીયા અને જગદિશ ગણેશભાઇ ચોવટીયા નામના શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસનીશ અધિકારી અને મદદનીશ કલેક્ટરના અહેવાલ બાદ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી સરકાર અને સામાન્ય જનતા સાથે છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં ટાંકવામાં આવ્યું છે.
હાલમાં પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કઠોર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડમાં અન્ય કયા શખ્સો સામેલ છે અને કેટલા લોકો ભોગ બન્યા છે તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવશે. સરકારી જમીન પચાવી પાડનારા તત્વોમાં આ કડક કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે.



