જામનગર

જામનગરના ખીજડીયા અભયારણ્યમાં 300થી વધુ પ્રજાતિના 2 લાખ પક્ષીઓ નોંધાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

જામનગર: જામનગર નજીક આવેલા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 6 અને 7 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય પક્ષી ગણતરીની વિશેષ કામગીરી પૂર્ણ થઈ હતી. વન વિભાગના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી હાથ ધરાયેલી આ ગણતરીમાં 1000થી વધુ પક્ષીવિદોએ ભાગ લીધો હતો. પ્રાથમિક અંદાજ મુજબ, અભયારણ્યમાં 300થી વધુ પ્રજાતિના બે લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે.

ગણતરીમાં 1000થી વધુ પક્ષીવિદોએ ભાગ લીધો

આ કામગીરીનો મુખ્ય હેતુ અભયારણ્યમાં પક્ષીઓની સંખ્યા, તેમની જાતિઓ, વસવાટની સ્થિતિ અને પર્યાવરણ પર પડતી અસર અંગે મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરવાનો હતો. આ ડેટા ભવિષ્યમાં પક્ષી સંરક્ષણ અને સંવર્ધન માટેની નીતિઓ ઘડવામાં તેમજ સરકારની સંરક્ષણાત્મક યોજનાઓની અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં ઉપયોગી સાબિત થશે.

કુલ 12 ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી

પક્ષી ગણતરી માટે સમગ્ર અભયારણ્યને વિવિધ ઝોન અને સેક્ટરમાં વહેંચવામાં આવ્યું હતું. કુલ 12 ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં વન વિભાગના કર્મચારીઓ, પક્ષીવિદો, નિષ્ણાતો અને પ્રશિક્ષિત સ્વયંસેવકોનો સમાવેશ થતો હતો. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ઈ-બર્ડ એપ્લિકેશન દ્વારા ડિજિટલ રીતે ડેટા નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત, લેન કેમેરા, સ્કોપ, દૂરબીન અને સ્કેનકાર્ડ જેવી પરંપરાગત પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ વિશેષ કામગીરીમાં મરીન નેશનલ પાર્ક, ખીજડીયા પક્ષી અભયારણ્ય, વન વિભાગ, સામાજિક વનીકરણ વિભાગ, વિવિધ એનજીઓ, રેસ્ક્યુ ટીમો અને ગાઈડમિત્રો સહિત અનેક પક્ષીપ્રેમીઓ અને પ્રકૃતિમિત્રોએ ઉત્સાહપૂર્વક સહભાગી બનીને આ ગણતરીને સફળ બનાવી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button