જામનગર

જામનગરમાં કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ: મેયરની ઓફિસે ₹2000ની નકલી ચલણી નોટનું તોરણ લગાવ્યું

જામનગરઃ જામનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના મુદ્દે વિરોધ પક્ષ કોંગ્રેસે નવતર રીતે વિરોધ પ્રદર્શન કરીને ભારે હંગામો મચાવ્યો હતો. ગેરહાજર મેયરની કચેરીના દરવાજે આવેદનપત્ર અને ગંદકીના ફોટા ચોંટાડી તેના પર બનાવટી ચલણી નોટોનું તોરણ લગાવી વિરોધ કર્યો હતો. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રૂબરૂ નકલી નોટો આપીને જો પ્રજાના કામ પૈસાથી થતા હોય, તો અમે પણ ભ્રષ્ટાચારના રૂપિયા આપવા તૈયાર છીએ તેવી ટકોર કરી હતી.

જામનગર શહેરમાં રસ્તાના કામો અને અન્ય વિકાસ કાર્યોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ઘણા સમયથી થઈ રહ્યા હતા. આ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરોએ મહાનગરપાલિકાની કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. મેયર ગેરહાજર હોવાથી વિરોધ પક્ષે તેમની કચેરીના દ્વારને નિશાન બનાવ્યું હતું.

આ પણ વાંચો: ભુજના શેખ ફળિયામાંથી નકલી ચલણી નોટ છાપવાનું મટીરિયલ મળી આવ્યું, પોલીસ એક્શનમાં

મેયરની ચેમ્બરના દરવાજે આવેદનપત્ર ચોંટાડવામાં આવ્યું હતું, જેમાં ભ્રષ્ટાચારને કારણે શહેરની કથળી ગયેલી હાલતનો ઉલ્લેખ હતો. આ સાથે એક પ્રતિકાત્મક સંદેશ આપતા ડુપ્લિકેટ રૂ. 2,000ની ચલણી નોટોનું તોરણ મેયરની ચેમ્બરના દ્વાર પર લગાવવામાં આવ્યું હતું, અને એમ દર્શાવવામાં આવ્યું હતું કે જો પૈસાના જોરે કામ થતા હોય તો વિરોધ પક્ષ પણ ભ્રષ્ટાચાર રૂપી નોટો આપવા તૈયાર છે, જેથી જામનગર શહેરને ગુલાબી બનાવી શકાય. આ ઉપરાંત, ખરાબ રસ્તાઓ અને ગંદકીના ફોટા પણ મેયર ચેમ્બરના દરવાજા પર ચોંટાડી વાસ્તવિકતા દર્શાવવામાં આવી હતી.

મેયરની ગેરહાજરીમાં કચેરીમાં હાજર ચેરમેનને આવેદનપત્રની એક નકલ આપવામાં આવી હતી અને સાથે જ ડુપ્લિકેટ રૂ. 2,000ની ચલણી નોટ ટેબલ પર પાથરી હતી. આ પ્રતિકાત્મક રીતે તેઓએ જણાવ્યું કે જામનગરને ગંદકીના સામ્રાજ્યમાંથી મુક્ત કરાવી આપવા અમે પણ ભ્રષ્ટાચારની રકમ આપવા તૈયાર છીએ. કોંગ્રેસના આક્રમક વિરોધ પ્રદર્શને મહાનગરપાલિકાના વર્તુળોમાં ભારે હલચલ મચાવી દીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button