
જામનગર: ગુજરાતમાં GST વિભાગ દ્વારા જામનગરમાં એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એકસાથે 25 જેટલી પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદથી આવેલી GSTની વિશેષ ટીમોએ પણ આ કાર્યવાહીમાં જોડાઈને અનેક સ્થળોએ તપાસ શરૂ કરી હતી. જામનગરના સીએ અલ્પેશ પેઢડીયા દ્વારા અનેક પેઢીઓમાં બેનામી હિસાબો ચાલી રહ્યા હોવાની આશંકાને ધ્યાને લઈ જીએસટી ટીમે આ કાર્યવાહી શરૂ કરી હતી.
અમદાવાદની જીએસટીની ટુકડીઓ પણ જામનગર પહોંચી હતી અને બ્રહ્મ એસોસિએટેડ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી શરૂ થતાં જ પેઢીના સંચાલકો તાળા મારી નાસી ગયા હોવાનું સામે આવ્યું હતું. આ કાર્યવાહી પાંચ દિવસ સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. તપાસ દરમિયાન પેઢીના માલિકોએ કબૂલ્યું કે તેઓને વિશ્વાસમાં લીધા વગર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા વ્યવહારો કરવામાં આવતા હતા. આશરે 100 કરોડથી વધુનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. કેટલીક બોગસ પેઢીઓ ચાલી રહી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેના કારણે મોટા માથાઓ સામે કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો: ગુજરાતના મોટા ગરબાના આયોજકો પર GSTના દરોડા: અમદાવાદ-સુરતમાં 10 ટીમની કાર્યવાહી
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા અને તપાસના અંતે રૂ. 100 કરોડથી પણ વધુનું મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. જીએસટીની ટીમો દ્વારા હાલમાં વિવિધ પેઢીઓના દસ્તાવેજો, કોમ્પ્યુટર ડેટા અને આર્થિક વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જામનગરના વ્યાપારી વર્તુળોમાં જીએસટી વિભાગની આ અચાનક અને વ્યાપક કાર્યવાહીને લઈને ભારે ચકચાર મચી ગઈ હતી.