કાલાવાડમાં લૂટંની યોજના બનાવી રહેલા પાંચ ખૂંખાર લૂંટારા ઝડપાયા…

જામનગરઃ કાલાવાડ તાલુકાના મછલીવાડ ગામ નજીક પોલીસે લૂંટની યોજના બનાવી રહેલા પાંચ લૂંટારુને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ઘાતક હથિયારો અને લૂંટનો સામાન ઝડપાયો હતો. આ ઉપરાંત કુહાડી, હથોડી, પાઈપ અને ચાર લાખ રૂપિયાથી વધુની ચોરીનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિક્ષક આર બી દેવધાએ જણાવ્યું કે, કાલાડાના મછલીવાડ ગામ પાસે કેટલાક લોકો લૂંટની તૈયારીમાં હોવાની બાતમી મળી હતી. ટીમ તરત જ ત્યાં પહોંચીને પાંચ આરોપીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી હથિયાર અને વાહન જપ્ત કરવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, આરોપીના નામ નવાજ જેઠાભાઈ જુમા, અલ્તાફ ઈકબાલભાઈ બેલિમ, અજય સોલંકી, મિતભાઈ વાઘેલા અને વસીમભાઈ મસાની છે. તેઓ પહેલાથી કોઈને કોઈ ગુનામાં સંડોવાયેલા છે. તેમની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, વાહન ચોરી, કેબલચોરી, દારૂ, જુગારના કેસ નોંધાયેલા છે.
પોલીસના કહેવા મુજબ, આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને તેમાં ગુનાની જાણકારી મળવાની આશા છે. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું કે, આરોપીઓએ પહેલા રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક ગંભીર ગુના કર્યા છે. ભવિષ્યમાં આવા ગુનાને રોકવા કડક કાર્યવાહી કરાશે.