જામનગરમાંથી નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઇઃ લાખો રુપિયાનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ૧૦૫૬ નકલી દારૂના ચપલા સહિત વિવિધ મુદ્દામાલ કબ્જે કર્યો

જામનગરઃ જામનગર એલસીબી ટીમે નેવી મોડા ગામની સીમમાં દરોડો પાડીને ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવતી ફેકટરી ઝડપી પાડી હતી. પોલીસે ૧૦૫૬ નકલી દારૂના ચપલા સહિત રૂ.૭ ૨૮ લાખના મુદામાલ સાથે છ શખ્સોની ધરપકડ કરી હતી.

જામનગર એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, જામનગર તાલુકાના નેવી મોડાગામે રહેતા હરદીપસિંહ ઉર્ફે લાલો સુખુભા જાડેજા તથા શ્રીરાજસિંહ ઉર્ફે સિદ્ધરાજસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા સાથે મળી ભાગીદારીમા રાજસ્થાનના અર્જુનસીંગ તેજસીંગ સોઢા તથા સુર્યપ્રતાપસીંગ ભાનુપ્રતાપસીંગ રાઠોડને બોલાવી તેમની સાથે મળી હરદીપસિંહ જાડેજાની નેવી મોડા ગામની વાડીના રહેણાંક મકાનમાં આલ્કોહોલ સ્પીરીટને જરૂરીયાત મુજબ ભેળસેળ કરી ઇંગ્લીશ પીવાનો દારૂ બનાવવાની ફેકટરી ચલાવી ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરે છે. જે આધારે પોલીસે વાડીમાં મકાનમાં બનાવેલી ફેકટરીમાં રેઇડ કરી આરોપીઓને ઝડપી લીધા હતા. પૂછપરછમાં તેમણે આલ્કોહોલ સ્પીરીટ દ્વારા વિદેશી પીવાનો દારૂ બનાવતા હોવાનુ જણાવ્યું હતું. પોલીસે ઓરાપીઓને પકડી પાડી આરોપીઓ પાસેથી સ્પીરીટ, ફલેવરકલર મીશ્રણ કરીને બનાવેલો ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂનો જથ્થો, આલ્કોહોલ, સ્પીરીટ, પાઉચમાં લગાડવાના સ્ટીકર, મોબાઇલ ફોન, ફોર વ્હીલકાર જપ્ત કર્યા હતા.
પોલીસે આલ્કોહોલ સ્પીરીટથી બનાવેલો ડુપ્લીકેટર ઇગ્લીશ દારૂ લીટર -૬૦૦, આલ્કોહોલ સ્પીરીટથી બનાવેલા ઇગ્લીશ દારૂના ચપલા-૧૦૫૬ નંગ, ભેળસેળ યુકત દારૂ બનાવવાનો કેમીકલ પદાર્થ લીટર-૯, ઇંગ્લીશ દારૂનો રંગ લાવવા માટેનો વપરાતો કેમીકલ યુકત પદાર્થ તથા ફુડ કલર ૪ બોટલ, ઇંગ્લીશ દારૂ બોટલના શીલ માટેના ઢાકણા નંગ- -૨૦૫૦, ઇંગ્લીશ દારૂ રાખવાના માટેના બોકસ નંગ-૧૪૯, ઇંગ્લીશ દારૂ ભરવા માટે પ્લાસ્ટીકના પાઉચ- ૯૫૦, ઇંગ્લીશ દારૂના પુઠાની પેટીઓ તથા ઢાંકણા ઉપર પ્લાસ્ટીકના સ્ટીકરો ૧૧૧૦, દારૂ ઓલ્કોહોલ માપવાનું મીટર મશીન, દારૂ – ઓલ્કોહોલ માપવા દર્શાવતું બીકર મશીન તથા દારૂની બોટલ શીલ કરવા માટેનું લોખંડ શીલ મશીન-૩, પ્લાસ્ટીકના બેરેલ-૩, મોબાઇલ ફોન-૮, ફોર વ્હીલ કાર મળી કુલ રૂ ૭,૨૮,૪૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો…સુરેન્દ્રનગરમાં પાટડી પાસે ઠંડા પીણાની આડમાં વેચાતો 61 લાખનો વિદેશી દારૂ ઝડપાયો…