જામનગરમાં ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી અને મરીન સેન્ચ્યુરી વિસ્તારમાંથી દબાણો હટાવાયા

જામનગરઃ અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશનના બીજા તબક્કાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મરીન સેન્ચ્યુરી અને ખીજડીયા બર્ડ સેન્ચુરી સહિતના વિસ્તારોમાંથી મંગળવારે મોડી રાત્રે સાત જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણોને દૂર કરવા માટેનું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સજ્જડ પોલીસ બંદોબસ્ત હેઠળ આ ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતાં. ડિમોલિશનની કાર્યવાહી બાદ અંદાજિત 9 હજાર સ્ક્વેર ફૂટ જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી. આ તમામ કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા ગુપ્ત રીતે મોડી રાત્રે પૂર્ણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: જામનગર-દ્વારકામાં મેગા ડિમોલિશનઃ પાંચ દિવસમાં દરિયાઈ વિસ્તારમાં ધાર્મિક સ્થાન સહિત 285 દબાણો હટાવાયા
ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી અને મરીન સેન્ચ્યુરી વિસ્તારમાંથી ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પંચકોશી અને બીડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં લેન્ડિંગ પોઇન્ટ પાસે આ દબાણો હતા. મરીન સેન્ચ્યુરી અને ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીની બાયો ડાઈવર્સિટી અને મેનગ્રુવને નુકસાન પહોંચાડતા સાત સ્થળોએથી દબાણો હટાવાયા હતા. છેલ્લા દસ વર્ષથી આ દબાણો કરવામાં આવ્યા હતા. 15,000 સ્ક્વેર ફૂટ જમીન અને 9 હજાર સ્ક્વેર ફૂટ બાંધકામ ક્ષેત્રમાં આ દબાણો ફેલાયેલા હતા. ભારતીય દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવાના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતા.