દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે દરિયાકાંઠાના- કિચડીયા પક્ષી ગણતરીનો આજથી પ્રારંભ
અમદાવાદઃ દેશમાં સૌ પ્રથમવાર જામનગર જિલ્લામાં આવેલા મરીન નેશનલ પાર્ક ખાતે આજે તા. 3 થી 5 જાન્યુઆરી દરમિયાન દરિયાકાંઠાના તેમજ કિચડીયા પક્ષીઓની ગણતરી-સેન્સસ યોજવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વન વિભાગ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે મરીન નેશનલ પાર્ક અને મરીન સિક્યુરીટીમાં યોજવામાં આવશે. જ્યાં 300 જેટલા સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓનું રહેઠાણ છે.
ત્રણ દિવસ સુધી થશે પક્ષીઓની ગણતરી
જામનગરમાં મરીન નેશનલ પાર્ક અને મરીન સિક્યુરિટી ખાતે ત્રણથી પાંચ જાન્યુઆરી સુધીમાં દરિયાકાંઠાના અને કિચડિયા પક્ષીઓની વસતી ગણતરી કરવામાં આવશે. ત્રણ જિલ્લામાં વિસ્તરેલ મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીમાં ઓખાથી નવલખી સુધી અંદાજીત 170 કિ.મી. લાંબા દરિયાકાંઠા અને 42 ટાપુઓનો સમાવેશ થાય છે. ત્રણ દિવસના કાર્યક્રમમાં પ્રથમ દિવસે તજજ્ઞો દ્વારા ચર્ચાઓ કરાશે, બીજા દિવસે પક્ષીઓની વસતી ગણતરી અને અંતિમ દિવસે સમાપન સમારોહ યોજાશે. આ ગણતરી દરમિયાન દેશભરમાંથી પક્ષી પ્રેમીઓ, નિષ્ણાતો અને સંશોધકો ભાગ લે તેવી શક્યતાઓ છે.
બર્ડ કન્ઝર્વેશન સોસાયટીનો હશે સાથ
બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત પક્ષીઓ માટે છેલ્લાં 25 વર્ષથી ગુજરાતમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા છે. જે પક્ષીઓનું સંરક્ષણ, ગણતરી, નિરીક્ષણ તથા પક્ષીઓ પાછળનું વિજ્ઞાન અને તે અંગેની જન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરે છે. મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરી ભારતનો સૌ પ્રથમ જાહેર કરવામાં આવેલ દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન છે. રાજ્યના દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી એમ ત્રણ જિલ્લામાં વિસ્તરેલ મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીમાં ઓખાથી નવલખી સુધી અંદાજીત 170 કિ.મી. લાંબા દરિયાકાંઠા અને 42 ટાપુઓનો સમાવેશ થાય છે.
કચ્છના અખાતમાં આવેલા આ પ્રોટેક્ટેડ એરીયાને અહીં જોવા મળતી દરિયાઇ જીવસૃષ્ટિ અને ચેરના સંવર્ધન અને સંરક્ષણના મુખ્ય ઉદ્દેશ્યથી જાહેર કરવામાં આવ્યો છે. આ ભારતમાં એકમાત્ર સ્થળ છે જ્યાં ઓટના સમય દરમિયાન પગપાળા પ્રવાસ કરીને દરિયાઇ જીવસૃષ્ટિનું અવલોકન કરી શકાય છે. જ્યારે અન્ય સ્થાનો ઉપર સ્કુબા ડાઇવીંગ કરવી અનિવાર્ય બની જાય છે.
મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીમાં આલ્ગી, દરિયાઇ શેવાળ, વાદળી, સખત અને નરમ પરવાળા, ડોલ્ફીન, કાચબા, ડુગોંગ, પોરપોઇઝ, વિવિધ જાતિના કરચલાં, પફરફીશ, સ્ટારફીશ, બ્રિટલ સ્ટાર, ઓક્ટોપસની સાથે ચેરની વિવિધ પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે.
પક્ષી વૈવિધ્ય ખૂબ જ સમૃદ્ધ
આ વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનો ભાગ હોવાથી આ વિસ્તારનું પક્ષી વૈવિધ્ય પણ ખૂબ જ સમૃદ્ધ છે. સેન્ટ્રલ એશિયન ફ્લાયવે એ યુરોપ-એશિયામાં આર્કટીક અને હિન્દ મહાસાગર પર ફેલાયેલો છે. જેમાં ખાસ કરીને ઉત્તરે સાઇબેરીયાના બ્રિડીંગ ગ્રાઉન્ડસ-પક્ષીઓ પ્રજનન માટે ઉપયોગમાં લેતા વિસ્તારથી લઇને દક્ષિણ-પશ્ચિમી એશિયા, માલદિવ્સ અને બ્રિટીશ ઇન્ડીયન ઓશન ટેરેટરીમાં આવેલા નોન બ્રિડીંગ-વિન્ટર ગ્રાઉન્ડસ એટલે કે, શિયાળો પસાર કરવા માટેના વિસ્તારોનો સમાવેશ થાય છે. યાયાવર પક્ષીઓ ખાસ કરીને વોટર બર્ડસ-પાણીના પક્ષીઓ તેઓના વાર્ષિક પ્રવાસ દરમિયાન આ ફ્લાય વે મારફતે અનેક દેશો પરથી પસાર થઇને તેમનો પ્રવાસ પૂર્ણ કરે છે.
જામનગરમાં કિચડીયા પક્ષીઓની 50થી વધારે પ્રજાતી
જામનગરમાં આશરે 300થી વધારે સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે. માત્ર કિચડીયા પક્ષીઓની 50થી વધારે પ્રજાતીઓ જોવા મળે છે. એમાં પણ શંખલો, મોટો કિચડિયો જેવા પક્ષીઓ દેશમાં અન્યત્ર ખૂબ જ ઓછા જોવા મળે છે, જ્યારે જામનગરમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતા હોય છે. જેના ફળસ્વરૂપે ખીજડિયા પક્ષી અભયારણ્ય, નરારા અને અન્ય વિસ્તારો પક્ષી પ્રેમીઓ, સંશોધકો અને પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. માત્ર કિચડિયા પક્ષીઓની ગણતરીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ પ્રયાસ બની રહેશે.