જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલની સમસ્યાઓ લઈ વાલીઓ રાજ્ય પ્રધાન રિવાબા જાડેજાને મળ્યા

જામનગર: શહેરની જાણીતી બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ રાજ્યકક્ષાના પ્રધાન રિવાબા જાડેજાની મુલાકાત લીધી હતી અને સ્કૂલમાં વિદ્યાર્થીઓને નડતી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી.
વાલીઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે 575 વિદ્યાર્થીઓ ધરાવતી સૈનિક સ્કૂલમાં પૂરતો શિક્ષણ સ્ટાફ નથી. આ સાથે ભોજન અને મેડિકલ સહિતની પાયાની સુવિધાઓ પણ મળતી નથી.
આપણ વાચો: સૈનિક સ્કૂલોને રાજકીય રંગ લાગતા રોકોઃ ખડગેએ રાષ્ટ્રપતિને પત્ર લખી કરી માગણી
આ સાથે ગંભીર વાત તો એ છે કે શિક્ષકોની ગેરહાજરમાં સિનિયર વિદ્યાર્થીઓ જૂનિયરની રેગિંગ કરે છે. સ્વિમિંગ પુલ બંધ છે, શિક્ષકો ન હોવાથી મેદાનમાં પીટી અને રમતગમત પણ ઓછા થઈ ગયા છે. અમુક વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ કરે છે. શાળામાં શિસ્ત જળવાતું નથી, વગેરે ફરિયાદો વાલીઓએ કરી હતી.
તેમની રજૂઆતને ગંભીરતાથી લઈ રિવાબાએ કલેક્ટર સાથે બેઠક કરી હતી. આ સાથે સ્કૂલના પ્રિન્સપાલ પણ હાજર હતા. તેમણે વાલીઓએ રજૂ કરેલી તમામ સમસ્યાઓનું નિરાકરણ આવે અને વિદ્યાર્થીઓ સુવિધાજનક અને સુરક્ષિત વાતાવરણમાં ભણી શકે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.



