જામનગરમાં ખેડૂતોને બદલે કૉંગ્રેસ કાર્યકર્તાઓમાં જ આક્રોશઃ ફરી જૂથવાદ દેખાયો…

અમદાવાદઃ કૉંગ્રેસ ખેડૂતોની માગણીઓ લઈને ઠેર ઠેર આક્રોશ યાત્રા કાઢી રહી છે, પંરતુ જામનગરમાં પક્ષમાં આંતરિક આક્રોશ જ ફેલાયેલો જોવા મળ્યો હતો. સમર્પણ સર્કલ નજીક યોજાયેલી સભામાં કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર હતા. જોકે ત્યાં જ પક્ષોનો આંતરિક વિખવાદ બહાર આવ્યો હતો.
સભા ચાલી રહી હતી ત્યારે જ અમુક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સભા છોડી નાસવા લાગ્યા હતા, તેમને સ્થાનિકો દોડી દોડી મનાવી રહ્યા હતા. સભા પૂરી થયા બાદ અમિત ચાવડા પણ કાર્યકરોને મળ્યા હતા. પક્ષમાં આવી નાની-મોટી વાતો બનતી રહેતી હોય છે અને અમે તેને નિવારતા જતા હોઈએ છીએ, તેમ તેમણે જણાવ્યું હતું.

કોંગી નેતાઓએ માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાન માટે સરકારના રાહત પેકેજને અપૂરતું ગણાવી દેવા માફીની માંગ કરી હતી. આ ઉપરાંત, મતદાર યાદી સુધારણામાં ગંભીર છબરડા, બેરોજગારી મુદ્દે પણ સરકારને ઘેરી હતી.



