મગફળીનો પાક નિષ્ફળ જતાં જામ કંડોરણાના જામદાદર ગામના ખેડૂતે જીવન ટૂંકાવ્યું...

મગફળીનો પાક નિષ્ફળ જતાં જામ કંડોરણાના જામદાદર ગામના ખેડૂતે જીવન ટૂંકાવ્યું…

જામકંડોરણા: સૌરાષ્ટ્રમાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટ જિલ્લાના જામદાદર ગામના માધાભાઈ સામતભાઈ રાઠોડ (ઉંમર ૫૦) નામના ખેડૂતે પાક નિષ્ફળ જવાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ખેડૂતના આઘાતજનક પગલાથી તેના પરિવાર અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મળતી વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના જામદાદર ગામના ખેડૂત માધાભાઈ રાઠોડે ચાલુ વર્ષે પોતાની વાડીમાં આશા સાથે ૬ થી ૮ વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતુ. આ વાવેતર માટે તેમણે માથે દેવું કર્યું હતું, જો કે આ મગફળીનો પાક નિષ્ફળ જતાં તેમને પારાવાર નુકસાન થયું હતુ. પાક નિષ્ફળ જતાં હવે તેમણે કરેલા દેવાની ચૂકવણી કેવી રીતે કરવી તે બાબતની ચિંતા માધાભાઈને સતાવી રહી હતી.

આર્થિક સંકડામણ અને દેવાના બોજને કારણે ચિંતામાં સરી પડેલા માધાભાઈ છેલ્લા કેટલાક દિવસથી માનસિક તણાવમાં રહેતા હતા. આ ચિંતાએ જ માધાભાઈને અંતિમ પગલું ભરવા મજબૂક કર્યાં અને તેમણે પોતાના ખેતરમાં આવેલી ઓરડીમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જામકંડોરણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામકંડોરણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button