સૌરાષ્ટ્ર

VIDEO: ખેતરમાં ચાલી રહી હતી કાપણી અને પહોંચી ગયા વનરાજ, પછી……

જેતપુર: આમ તો હવે માત્ર ગીર નહિ પણ આખું સૌરાષ્ટ્ર સાવજનું રહેઠાણ બની રહ્યું છે. ગીર સિવાયનાં સૌરાષ્ટ્રનાં અન્ય ભાગોમાં પણ સિંહનાં આંટાફેરા સામાન્ય બની ગયા છે. ત્યારે હાલ એક વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક તરફ ખેતરમાં કાપણીનું કામ ચાલી રહ્યું હતું અને તે દરમીયાન જ અચાનક પાંચ સિંહોનું ટોળું ખેતરમાં ચડી આવ્યું હતું.

આ પણ વાંચો: અહેમદપુર માંડવીના બીચ પર સાવજોની લટાર; ગીર છોડી દરિયાકિનારે પહોંચ્યા વનરાજ…

જેતપુરનાં રેશમડી ગાલોળનો વીડિયો

પ્રાપ્ત વિગતો અનુસાર ખેતરમાં કાપણીનું કામ ચાલી રહ્યું હોય અને તે દરમિયાન જ એક નહિ પણ પાંચ સિંહોનું ટોળું અચાનક ખેતરમાં ચડી આવ્યું હોય તેવો એક વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જેતપુર તાલુકાનાં રેશમડી ગાલોળ ગામનો હોવાની વિગતો મળી રહી છે. જયા ખેતરમાં ઘઉની કાપણીનું કામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન જ પાછળનાં શેઢેથી સિંહોનું ટોળું પહોંચી ગયું હતું.

થોડા દિવસ પહેલા જ ભાવનગર જિલ્લાનાં પાલીતાણા નજીકના કંજરડા ગામમાં પણ એકસાથે પાંચ જેટલા સિંહની સવારી જોવા મળી હતી. હાલ ઉનાળાની ઋતુ હોય અને આકરી ગરમી પડી રહી હોય તેના કારણે સાવજોનું ટોળું કંજરડા ગામના તળાવ વિસ્તારમાં આવી ચડ્યું હતું અને તળાવ નજીક સાવજોનું ટોળું લટાર મારવા નીકળ્યું હોય એવો વિડીયો વાયરલ થયો હતો.

સિંહોની વસ્તી વધી શકે છે

ગુજરાતમાં ગીરને એશિયાઈ સિંહોનું ઘર માનવામાં આવે છે. આજે સિંહ માત્ર ગીર પૂરતા જ મર્યાદીત નથી રહ્યા. ગીરની આસપાસના વિસ્તારો અમરેલી, ભાવનગર અને ચોટીલા સુધી પહોંચી ગયા છે. 2025માં થનારી સિંહોની વસ્તી ગણતરીને હવે થોડા સપ્તાહની વાર છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે 10 થી 13 મે સિંહોની વસ્તી ગણતરી થશે. આ આંકડો 900ને સ્પર્શી શકે છે. ગણતરીનો અંતિમ આંકડો જૂનમાં જાહેર થશે. વન અધિકારીઓના કહેવા મુજબ, સિંહોએ ગીર સિવાય અનેક જગ્યાએ તેમના રહેઠાણ બનાવ્યા છે. તેથી બિનસત્તાવાર અંદાજ 1400 થી 1500ની વચ્ચે હોઈ શકે છે.

2020ની વસ્તી ગણતરીમાં કેટલા સિંહ નોંધાયા?

2020ની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં 674 સિંહ નોંધાયા હતા. રાજ્યના વિન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આંતરિક ગણતરીમાં સિંહ સતત વધુ સંખ્યામાં જોવા મળે છે. 2020માં 674 સિંહ સત્તાવાર રીતે નોંધાયા હતા, જોકે આંતરિક ગણતરી વખતે 1000ની આસપાસ સંખ્યા નોંધાઈ હતી.

સિંહના રહેણાક વિસ્તારમાં 36 ટકાનો વધારો

સિંહોના રહેણાંક વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે. સાવજ સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. 2015માં તેમનો વિસ્તાર 22,000 ચોરસ કિમી હતો જે વધીને 2020માં 30000 ચોરસ કિમી થયો છે. 5 વર્ષમાં સિંહના રહેણાક વિસ્તારમાં 36 ટકાનો વધારો થયો છે. તાજેતરમાં દીવ, જેતપુર અને રાજકોટ શહેરની આસપાસના વિસ્તારોમાં સિંહ જોવા મળ્યા હતા. સોમનાથ અને દીવમાં દરિયાકિનારે સિંહના આંટાફેરાના વીડિયો વાઇરલ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button