ગોંડલમાં તળાવમાં નહાવા પડેલા બે મિત્રોના મોત; એકને બચાવવા જતા બીજો પણ ડૂબ્યો…

ગોંડલ: રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક આવેલા ખીમોરી તળાવમાં નહાવા પડેલા બે યુવકોના કરુણ મોત નિપજ્યા હતા. એક યુવકને ડૂબતો જોઈ તેને બચાવવાના પ્રયાસમાં અન્ય એક મિત્ર પણ પાણીમાં ઝંપલાવતા બંને યુવકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાથમિક વિગતો અનુસાર, આજે બપોરના સુમારે બે યુવકો ખીમોરી તળાવમાં નહાવા પડ્યા હતા. તે દરમિયાન એક યુવક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈને તેનો મિત્ર તેને બચાવવા માટે તળાવમાં કૂદી પડ્યો હતો, પરંતુ કમનસીબે બંને યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાના પ્રત્યક્ષદર્શી સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોંડલ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
આ કરુણ ઘટનાની જાણ થતા ગોંડલ બી-ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે. બે આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનથી તેમના પરિવારજનો અને મિત્રવર્તુળમાં ગમગીની છવાઈ ગઈ છે.