રીબડા ફાયરિંગ: આરોપી હાર્દિકસિંહને દોરડે બાંધી કરવામાં આવ્યું રિકન્સ્ટ્રક્શન, પોપટની જેમ આપી વિગતો

રાજકોટઃ ગોંડલના રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજા કોચીથી ઝડપાયા બાદ સુરત પોલીસને કબજો સોંપવામાં આવ્યો હતો. ગોંડલ પોલીસે રીબડાના ફાયરિંગ કેસમાં હાર્દિકસિંહનો કબજો મેળવી રિમાન્ડ પર લીધો હતો. પોલીસ હાર્દિકસિંહને લઈને રીબડા અનિરુદ્ધસિંહના નિવાસસ્થાન, ફાર્મ હાઉસ અને પેટ્રોલ પંપ પર પહોંચી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું.
હાર્દિકસિંહે ફાયરિંગ કરાવતા પહેલા આ તમામ સ્થળોની રેકી કરી હતી અને પછી બે સાગરિતો મારફત અનિરુદ્ધસિંહ રીબડાના પેટ્રોલપંપ પર ફાયરિંગ કરાવ્યું હતું. રિકન્સ્ટ્રકશન સમયે પોલીસે સવાલો કરતા જ હાર્દિકસિંહ પોપટ બની ગયો હતો અને બનાવ પહેલા કઈ રીતે રેકી કરી હતી તેની વિગતો આપી હતી.
ઉલ્લેખનીય છે કે રીબડામાં પેટ્રોલપંપ પર થયેલા ફાયરિંગના ચર્ચાસ્પદ કેસમાં હાર્દિકસિંહની સંડોવણી ખુલી હતી. ફાયરિંગના થોડા સમય બાદ જ તેણે સોશિયલ મીડિયા ઉપર ફાયરિંગ કર્યાનું કબૂલાત કરી હતી. જેથી ગોંડલ તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમો તેની શોધખોળમાં લાગી ગઈ હતી. તેને પકડવા બીજા રાજ્યોમાં પણ પોલીસની ટીમો રવાના કરવામાં આવી હતી. પરંતુ સફળતા મળી ન હતી.
જો કે ફાયરિંગ કરનાર ઉત્તર પ્રદેશના ચાર ભાડુતી આરોપીઓ વિશે માહિતી મળતાં તમામને એલસીબીની ટીમે ઝડપી લીધા હતા. આ તમામ આરોપીઓએ પણ હાર્દિકસિંહના કહેવાથી ફાયરિંગ કર્યાનું કબુલ્યું હતું.
એટલું જ નહીં તેમને ફાયરિંગ કરવા માટે અમુક રકમ આપવાની પણ વાત સ્વીકારી હતી. ચારેય ભાડુતી આરોપીઓ ઝડપાયા બાદ રાજકોટ રૂરલ પોલીસની ટીમોએ હાર્દિકસિંહની શોધખોળ ચાલું રાખી હતી. પરંતુ સફળતા મળતી ન હતી. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ પણ તેની શોધખોળમાં હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની બે ટીમોએ હાર્દિકસિંહ જાડેજાને કેરળના કોચીના કોચુપલ્લી રોડ પરથી શોધી કાઢ્યો હતો અને સ્વામી હોટેલ સામેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.