અમિત ખૂંટ કેસમાં ફરાર રાજદીપસિંહ જાડેજાએ કર્યું સરેન્ડર

ગોંડલઃ રીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસ મામલે રાજદીપસિંહ જાડેજા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. અમિત ખૂંટ કેસ બાદ તે ફરાર થઈ ગયો હતો. આ પહેલા આરોપી રાજદીપસિંહ જાડેજાના ગુજરાત હાઈ કોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે 3 મેના રોજ રાજકોટ શહેરમાં મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત 17 વર્ષીય સગીરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ 5 મે, 2025એ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
સગીરાએ અમિત ખૂંટ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, મોડેલિંગ દરમિયાન તેને રીબડા ગામના અમિત ખૂંટ સાથે પરિચય થયો હતો. આ દરમિયાન અમિત ખૂંટે તેને જ્યુસમાં બેભાન કરવાની દવા પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પોલીસ તપાસ શરૂ થાય તે પહેલાં જ અમિત ખૂંટે પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
ઘટનાસ્થળેથી પોલીસને એક સ્યુસાઇડ નોટ મળી હતી, જેમાં અમિત ખૂંટે ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે લખ્યું હતું કે, માર આ પગલાં પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી હતી.આ સ્યુસાઇડ નોટના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં રાજદીપસિંહ જાડેજા આરોપી બન્યા હતા.
આપણ વાંચો: ગીર સોમનાથમાં મેગા ડિમોલેશન દરમિયાન પોલીસ પર થયો પથ્થરમારો, 2 પોલીસકર્મી ઈજાગ્રસ્ત…



